Get The App

ઈરાનમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન સળગ્યું! અમેરિકાની એમ્બેસી પર હુમલા બાદ 35ના મોત

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
Khamenei Death Protests Pakistan


(IMAGE - IANS)

Khamenei Death Protests Pakistan: ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં ખામેનેઈના મૃત્યુના વિરોધમાં પાકિસ્તાનના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો શરુ થયા છે. ખાસ કરીને કરાચી, લાહોર અને સ્કારદુ જેવા શહેરોમાં દેખાવકારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 35 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કરાચીમાં શિયા સંગઠનોએ અમેરિકન કોન્સ્યુલેટ પાસે તોડફોડ અને આગજની કરી હતી, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસ છોડ્યો હતો અને જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

પાકિસ્તાનના અનેક શહેરો અશાંત

કરાચીમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની હિંસક અથડામણમાં 16 લોકોના મોત થતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ ઉપરાંત સ્કારદુમાં દેખાવકારોએ અમેરિકન ઑફિસને આગ ચાંપી દેતા 7 લોકોના જીવ ગયા છે, જ્યારે ઈસ્લામાબાદ અને ગિલગિટમાં પણ હિંસાના કારણે અનેક મોત નોંધાયા છે. પરિસ્થિતિને જોતાં કરાચી પ્રશાસને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત સખત કરી દીધો છે અને મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે પણ લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ન જવા માટે ચેતવણી આપી છે.

આ પણ વાંચો: VIDEO: સાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી 'અરામકો' પર ડ્રોન એટેક, ઈરાનના હુમલાથી હાહાકાર

ખામેનેઈના સમર્થકો રસ્તા પર ઉતર્યા

માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ઈરાનની રાજધાની તેહરાન અને ઈસ્ફહાનમાં પણ ખામેનેઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ વિરોધી સૂત્રોચ્ચાર સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ તણાવ અને નેતન્યાહૂ સરકારના આક્રમક વલણની અસર હવે પડોશી દેશોમાં પણ હિંસા અને અરાજકતાના રૂપમાં દેખાઈ રહી છે. 

ઈરાનમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન સળગ્યું! અમેરિકાની એમ્બેસી પર હુમલા બાદ 35ના મોત 2 - image