અમેરિકા સુધી હુમલો કરી શકે એવી મિસાઇલ બનાવી રહ્યું છે પાકિસ્તાન, સુરક્ષા નિષ્ણાતોનો દાવો

Image: File Photo, Wikipedia |
Pakistan Developing Intercontinental Ballistic Missile: અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ગુપ્ત રીતે એક એવુ પરમાણુ યુક્ત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ વિકસાવી રહ્યું છે, જે સીધો અમેરિકા સુધી હુમલો કરી શકવા સક્ષમ હશે. આ રિપોર્ટ પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ફોરેન અફેર્સમાં પ્રકાશિત થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ચીનના સમર્થનમાં પોતાના પરમાણુ હથિયારોને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ રિપોર્ટમાં અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો છે કે, જો પાકિસ્તાન આવી મિસાઇલ તૈયાર કરશે, તો અમેરિકા તેને પરમાણુ દુશ્મન જાહેર કરવા મજબૂર થઈ જશે. પરમાણુ હથિયાર રાખનારો કોઈ પણ દેશ જે અમેરિકા માટે જોખમી બને છે એટલે અમેરિકન સરકાર તેને પરમાણુ વિરોધી જાહેર કરે છે. એ રીતે હાલ રશિયા, ચીન અને ઉત્તર કોરિયાને અમેરિકાનો વિરોધી દેશ માનવામાં આવે છે.
અમેરિકાના એક અધિકારીને ટાંકી આ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો પાકિસ્તાન અમેરિકા સુધી પહોંચી શકે તેવી મિસાઇલ બનાવી લેશે, તો વોશિંગ્ટનની પાસે પાકિસ્તાનને પરમાણુ દુશ્મન જાહેર કર્યા વિના કોઈ વિકલ્પ બચશે નહીં. એવો કોઈ દેશ જે અમેરિકા સુધી હુમલો કરનારી ICBM એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ધરાવે છે, તે અમેરિકાનો મિત્ર બની શકતો નથી.
પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ
પાકિસ્તાન લાંબા સમયથી કહી રહ્યું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર ભારતને રોકવા માટે છે. અત્યાર સુધી તેણે ટૂંકા અને મધ્યમ અંતરની મિસાઇલ પર ફોકસ કર્યું છે. પાકિસ્તાન પાસે હાલ કોઈ ICBM નથી. 2022માં તેણે Shaheen-III નામની એક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જેની મારક ક્ષમતા 2700 કિ.મી. સુધીની છે. જેનાથી ભારતના અનેક શહેર સુધી તેની પહોંચ શક્ય બની હતી.
કેટલું જોખમી છે ICBM?
ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) પરમાણુ અને પારંપારિક બંને રીતે વૉરહેડથી સજ્જ છે. 5500 કિમીથી વધુ અંતરને ટાર્ગેટ કરવા સક્ષમ છે. પાકિસ્તાનનો દાવો છે કે, વર્તમાનમાં તેની પાસે કોઈ ICBM નથી. જો પાકિસ્તાન ICBM બનાવે છે. તો ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધી શકે છે. અમેરિકા ભારતનો પક્ષ લઈ હસ્તક્ષેપ કરી શકશે નહીં.
અમેરિકા આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ રહ્યું છે. ગત વર્ષે અમેરિકાએ પાકિસ્તાન પર લાંબા અંતરની મિસાઇલ લોન્ચ કરવા બદલ અનેક આર્થિક પ્રતિબંધો લાદયા હતા. આ પ્રતિબંધ નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ અને તેની સાથે જોડાયેલી ત્રણ અન્ય સંસ્થા પર લાદવામાં આવ્યા હતા. અમેરિકામાં તેની સંપત્તિ પણ જપ્ત કરી દેવામાં આવી હતી. તેમજ અમેરિકામાં વેપર પર પ્રતિબંધો લાદયા હતા. પાકિસ્તાને આ પ્રતિબંધોને પક્ષપાતી ગણાવ્યા હતા.
પાકિસ્તાન NPTનો ભાગ નથી
પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ હથિયાર છે અને તે પરમાણુ અપ્રસાર સંધિ(NPT)નો ભાગ નથી. આ સંધિ પરમાણુ શસ્ત્રોના પ્રસારને રોકવા અને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે છે.

