પાકિસ્તાન આર્મીની બર્બરતા : 9 માસૂમ બાળકો, 7 મહિલાઓ સહિત 28 બલોચ નાગરિકોની હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Army Airstrike Balochistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની કથિત હવાઈ કાર્યવાહીનો એક ભયાનક મામલો સામે આવ્યો છે. સુરાબ જિલ્લાના ગૌનદાન ગામમાં 12 ઓગસ્ટની મોડી રાત્રે થયેલા હુમલામાં 9 માસૂમ બાળકો, 7 મહિલાઓ અને 12 પુરુષો સહિત 28 બલોચ નાગરિકોના મોત થયાનો સ્થાનિક સૂત્રોનો દાવો છે. 17થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જોકે, આ મૃત્યુઆંકની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઊંઘમાં રહેલા લોકો પર હવાઈ હુમલાનો દાવો
સ્થાનિક અહેવાલો અનુસાર, રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે ગૌનદાન ગામના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાના લડાકુ વિમાનોએ ગામના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. બોમ્બ વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો અને અનેક મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલા બાદ ગામમાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો કાટમાળ હટાવીને પોતાના પરિવારજનોને શોધતા જોવા મળ્યા હતા.
મૃતકોમાં સૌથી વધુ બાળકો અને મહિલાઓ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હુમલામાં 28 લોકોનાં મોત થયા છે. તેમાં 9 બાળકો, 7 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં પણ બાળકોની સંખ્યા નોંધપાત્ર હોવાનું જણાવાયું છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હુમલા બાદ સુરાબમાં રસ્તા પર મૃતદેહો
આ ઘટનાના વિરોધમાં મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકો સુરાબના મુખ્ય ચોકમાં એકઠા થયા હતા. તેમણે મૃતદેહોને ક્વેટા-કરાચી મુખ્ય માર્ગ N-25 પર રાખીને વિરોધ શરૂ કર્યો હતો. વિરોધના કારણે હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રદર્શનકારોએ માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
20થી વધુ મોત, 16 ઘાયલ
ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ મુજબ, સુરાબના ગદર-ગૌનદાન વિસ્તારમાં 12 ઓગસ્ટે થયેલી પાકિસ્તાની હવાઈ કાર્યવાહીમાં મહિલાઓ સહિત 20થી વધુ લોકોનાં મોત થયા અને 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલો અને મૃતકોને પોલીસ તથા સ્થાનિક લોકોએ સુરાબની DHQ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, મૃતકોમાં મહિલાઓ, બાળકો અને પુરુષો સામેલ છે. કેટલાક મૃતકોની ઓળખ પણ કરવામાં આવી છે.
28થી વધુના મોત થયા હોવાનો સ્થાનિકોનો દાવો
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ઉપલબ્ધ આંકડા કરતાં પણ વધારે હોઈ શકે છે. બીજી તરફ, ઘટનાને લઈને પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એટલે 28 લોકોનાં મોતનો આંકડો હાલમાં સ્થાનિક સૂત્રો અને અન્ય અહેવાલોના દાવા તરીકે જ જોવો જરૂરી છે.
બલૂચ એકતા સમિતિનો વિરોધ
હુમલા બાદ બલૂચ એકતા સમિતિએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સંગઠને ખાસ કરીને મહિલાઓ અને બાળકોનાં મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવાની માગ કરી છે.
નિર્દોષ બાળકોનો શું વાંક હતો? બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના વડા
બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના વડા સરદાર અખ્તર મેંગલે પણ ઘટનાની ટીકા કરી છે. તેમણે સવાલ કર્યો કે 'શું આ બાળકો ઉગ્રવાદી જેવા દેખાય છે? આ નિર્દોષ બાળકો છે, તેમનો શું વાંક હતો? બાળકોને મારીને ક્યારેય શાંતિ સ્થાપિત થઈ શકે છે? શું આ પેલેસ્ટાઇન છે? શું આ કાશ્મીર છે? નહીં, આ બલૂચિસ્તાન છે.'
બલૂચિસ્તાનની આઝાદીના નારાઓ બાદ હુમલાનો દાવો
અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘટનાના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા પાકિસ્તાનથી 'આઝાદી'ના સમર્થનમાં કાર્યક્રમો અને દેખાવો કરવામાં આવ્યા હતા. રસ્તાઓ પર બલૂચ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાની સરકાર તથા સેનાના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા. દાવા મુજબ, આ વિરોધ બાદ બલૂચ લોકોમાં ભય ફેલાવવાના હેતુથી ગૌનદાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.









