પાકિસ્તાનની સેનાએ પોતાના જ દેશમાં બોમ્બ વરસાવ્યા! મહિલા-બાળકો સહિત 30ના મોત
Pakistan Army: પાડોશી દેશ પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના જ દેશના લોકો પર કહેર વર્તાવ્યો છે. સોમવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની વાયુસેનાના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત આશરે 30 લોકોના મોત થયા છે. આ ઘટના 2 વાગ્યાની આસપાસ બની ત્યારે પાકિસ્તાની લશ્કરી વિમાનોએ તિરાહ ખીણના માટ્રે દારા ગામ પર આઠ બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે તબાહી મચી હતી. આ LS-6 કેટેગરીના વિનાશક બોમ્બ હતા, જે ચીની JF-17 લડાકુ વિમાનો દ્વારા ફેંકવામાં આવ્યા હતા. માર્યા ગયેલા બધા લોકો નાગરિકો છે.
આ પણ વાંચો: VIDEO: ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન? મહિનાઓ બાદ એક મંચ પર દેખાયા, હાથ મિલાવી વાતચીત કરી
હુમલો એટલો ભયાનક હતો કે ગામનો અડધો ભાગ નષ્ટ થઈ ગયો
આ હુમલા અંગે હજુ સુધી પાકિસ્તાન સરકાર તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે નથી આવ્યું. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ બોમ્બ વિસ્ફોટમાં 20 વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક નિવાસીઓના કહેવા પ્રમાણે જ્યારે ગામના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે જોરદાર ધમાકો થવાથી તેમની ઊંઘ ઉડી ગઈ હતી. હવાઈ હુમલો એટલો ભયાનક હતો કે ગામનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો હતો.
વિચલિત કરી શકે તેવી તસવીરો અને વીડિયો
સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં ઘટનાસ્થળની તસવીરો અને વીડિયો વિચલિત કરી શકે છે. જેમાં બાળકો સહિત કેટલાક લોકોના મૃતદેહો જમીન પર પડેલા જોવા મળી રહ્યા છે. બચાવ દળ હાલમાં કાટમાળ નીચે મૃતદેહો શોધી રહી છે, અધિકારીના કહેવા પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે તેવી સંભાવના છે. ખૈબર પખ્તુનખ્વામાં અગાઉ અનેક આતંકવાદ વિરોધી કામગીરી જોવા મળી છે, જેના કારણે કેટલાક નાગરિકોના જાનહાનિના અહેવાલ મળ્યા છે.
આ પણ વાંચો: ગાઝા યુદ્ધ ખતમ કરવા ફ્રાન્સનો બિગ પ્લાન, ઇઝરાયલ-અમેરિકાને લાગશે જોરદાર ઝટકો