VIDEO: ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન? મહિનાઓ બાદ એક મંચ પર દેખાયા, હાથ મિલાવી વાતચીત કરી
Donald Trump Elon Musk meet: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક 21 સપ્ટેમ્બરે લાંબા સમય બાદ પહેલીવાર જાહેરમાં એકસાથે જોવા મળ્યા. ચાર્લી કિર્કની શ્રદ્ધાંજલિ સભામાં આ બંને ભૂતપૂર્વ મિત્રો ફરી એકબીજાની સામે આવ્યા. જૂનથી ચાલી રહેલા તેમના વિવાદને કારણે તેઓ એકબીજાથી દૂર થઈ ગયા હતા, પરંતુ આ વખતે બંને માત્ર બાજુમાં બેઠા જ નહીં, પરંતુ વાતો પણ કરતા જોવા મળ્યા હતા.
ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત: જૂના વિવાદ પર નવું સમાધાન
મસ્ક કાર્યક્રમમાં સ્ટેજ પર આવતા પહેલાં સીધા ટ્રમ્પ પાસે પહોંચ્યા અને તેમની બાજુમાં બેઠા. બંનેએ હાથ મિલાવ્યો અને થોડી વાતચીત પણ કરી. આ મુલાકાત એટલા માટે ખાસ હતી કારણ કે જૂનમાં બંને વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. તે સમયે, ટ્રમ્પનું વિવાદાસ્પદ 'બિગ એન્ડ બ્યુટીફુલ બિલ' કોંગ્રેસમાં ચર્ચામાં હતું, જેની મસ્કે ભારે ટીકા કરી હતી. મસ્કે દલીલ કરી હતી કે આ બિલથી અમેરિકાનું દેવું વધશે અને ઇલેક્ટ્રિક વાહનો તેમજ સોલાર મોડ્યુલ પર મળતી ટેક્સની છૂટછાટ સમાપ્ત થશે, જે ટેસ્લા જેવી કંપનીઓ માટે નુકસાનકારક સાબિત થશે. મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો ફોટો પોસ્ટ કરીને 'For Charlie' (ચાર્લી માટે) કેપ્શન લખ્યું હતું.
મિત્રતા કેમ તૂટી?
બંને વચ્ચેનો તણાવ એટલો વધી ગયો કે મસ્કે જાહેરમાં ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત કરી. તેમણે ટ્રમ્પ પર પોતાની જીતનો શ્રેય લેવાનો અને તેમની નીતિઓથી દેશમાં મંદી લાવવાનો આરોપ પણ લગાવ્યો. એટલું જ નહીં, મસ્કે ટ્રમ્પ પર જેફરી એપ્સટીન સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરતા સ્પેસએક્સના રોકેટ્સને સરકારી સેવામાંથી હટાવવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: ગાઝા યુદ્ધ ખતમ કરવા ફ્રાન્સનો બિગ પ્લાન, ઇઝરાયલ-અમેરિકાને લાગશે જોરદાર ઝટકો
જવાબમાં, ટ્રમ્પે પણ મસ્કની કંપનીઓની સબસિડી અને ફંડિંગની તપાસ કરાવવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે મસ્કે પ્રમુખ પદનું અપમાન કર્યું છે અને તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. એક ટીવી ઇન્ટરવ્યૂમાં સમાધાન વિશે પૂછવામાં આવતાં ટ્રમ્પે સ્પષ્ટપણે 'ના' કહી દીધું હતું.
આ મુલાકાત કેમ ખાસ છે?
સૌથી રસપ્રદ વાત એ છે કે ચાર્લી કિર્કે આ જ વર્ષે કહ્યું હતું કે ટ્રમ્પ અને મસ્ક એક દિવસ ફરી સાથે આવશે કારણ કે તેઓ સાથે મળીને વધુ મજબૂત છે અને હવે તેમની શ્રદ્ધાંજલિ સભામાં આ બંને તેમના સન્માનમાં એક સાથે બેઠેલા જોવા મળ્યા. ભલે ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની આ વાતચીત કોઈ સત્તાવાર સમાધાનનો સંકેત ન હોય, પરંતુ ચાર્લી કિર્કની શ્રદ્ધાંજલિ સભાએ બંનેને ફરી એક મંચ પર લાવી દીધા અને આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની ગઈ.