ગાઝા યુદ્ધ ખતમ કરવા ફ્રાન્સનો બિગ પ્લાન, ઇઝરાયલ-અમેરિકાને લાગશે જોરદાર ઝટકો
France New Plan for Gaza: ફ્રાન્સે ગાઝામાંથી ઇઝરાયલી સંરક્ષણ દળોને હટાવીને ત્યાં આંતરરાષ્ટ્રીય સેના તહેનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ સમાપ્ત થયા બાદ હમાસને નિઃશસ્ત્ર કરવાનો અને ધીમે ધીમે ગાઝાની આંતરિક સુરક્ષા પેલેસ્ટાઇનની ઓથોરિટીને સોંપવાનો છે. 'ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલ'ના હાથમાં આવેલા પ્રસ્તાવના મુસદ્દા મુજબ, આ યોજના જુલાઈમાં જાહેર કરાયેલા એક આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર પર આધારિત છે, જેમાં બે-રાષ્ટ્ર સમાધાન, હમાસના નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાં સુરક્ષાના હસ્તાંતરણનો ઉલ્લેખ છે.
મિશનના નેતૃત્વમાં આરબ દેશોને પ્રાથમિકતા
પ્રસ્તાવના અહેવાલ મુજબ, આ મિશનનું નેતૃત્વ કરવા માટે કેટલાક દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ઇજિપ્ત, જોર્ડન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતારને પ્રાથમિકતા અપાઈ છે. મુસદ્દામાં જણાવ્યા મુજબ, આ મિશન ન્યૂયોર્ક ઘોષણાપત્ર મુજબ અને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ ચલાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ સુરક્ષાની જવાબદારી ધીમે ધીમે પ્રાદેશિક નેતૃત્વને સોંપવાનો છે અને આ મિશન ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય બનશે.
ન્યૂયોર્ક ઘોષણાપત્રનો ઉલ્લેખ કેમ જરૂરી છે?
ગાઝા સંબંધિત ન્યૂયોર્ક ઘોષણાપત્રને જુલાઈમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને પાછળથી કતાર અને ઇજિપ્ત સહિતના અન્ય ઘણા આરબ દેશોએ પણ ટેકો આપ્યો. આ ઘોષણાપત્રને આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક પ્રસ્તાવમાં પણ સમાવી લેવાયો છે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેના પર હસ્તાક્ષર કરનાર તમામ દેશો ફિલિસ્તીની ઓથોરિટીના આમંત્રણ પર એક અસ્થાયી આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ મિશનની તૈનાતીને સમર્થન આપે છે.
આ ઘોષણાપત્ર મુજબ, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય પેલેસ્ટાઇનના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, તે પેલેસ્ટાઇન રાજ્ય અને તેના સુરક્ષા દળોની ક્ષમતા વધારવામાં મદદ કરશે અને પેલેસ્ટાઇન તથા ઇઝરાયલ બંને માટે સુરક્ષાની ગેરંટી આપશે. તેમાં યુદ્ધવિરામ અને ભવિષ્યના શાંતિ કરારોની દેખરેખ પણ સામેલ છે. આ સમગ્ર પ્રક્રિયામાં બંને દેશોની સાર્વભૌમતાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે.