VIDEO : પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સેના-ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, આઠ ઘૂસણખોરના મોત
Pakistan-Afghanistan Border : પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર પાકિસ્તાની સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભયાનક અથડામણ થઈ છે. અહીં સામસામે આડેધડ ગોળીબાર થતાં આઠ ઘૂસણખોરોને ઠાર કરવામાં આવ્યા છે. ઘૂસણખોરો કુનારથી ખૈબર પખ્તૂનખ્વામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને પાકિસ્તાની સેનાએ ઠાર કરી દીધા છે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને ઘૂસણખોરીની માહિતી મળી
બાજોર જિલ્લાના મમુંજ તાલુકામાં કેટલાક ઘૂસણખોરો ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હોવાની અને આ લોકો ‘ફિતના અલ-ખ્વારિજ’ એટલે કે પ્રતિબંધીત સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ના હોવાની પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તુરંત કાર્યવાહી શરુ કરી દીધી હતી.
સામસામે ફાયરિંગમાં બાળકને ઈજા
પાકિસ્તાની સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે સામસામે ભયાનક ગોળીબાર થયો હતો, જેમાં એક બાળકને ઈજા થતાં તેને તાત્કાલિક લરખોલોજ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે. પછી બાળકની સ્થિતિ અત્યંત ખરાબ થતાં તેને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હૉસ્પિટલમાં લઈ જવાયો છે.
બીજીતરફ પાકિસ્તાની સેનાની મીડિયા સેલ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સે (ISPR) અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી હતી, જ્યારે સ્થાનિક લોકોએ વિસ્તારમાં ઘણા કલાકો સુથી અથડામણ થઈ હોવાની પુષ્ટિ કરી છે. લોકોએ કહ્યું કે, વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.
આ પણ વાંચો : ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે 'વોટર બોમ્બ'... અરૂણાચલના CMની ચેતવણી
સેનાએ એપ્રિલમાં 54 આતંકીને ઠાર કર્યા હતા
બે જુલાઈના રોજ પાકિસ્તાનના ખાર શહેરમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં ઉગ્રવાદીઓએ એક સરકારી વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં પાકિસ્તાની સહાયક કમિશ્નર અને તહસીલદાર સહિત પાંચ લોકો માર્યા ગયા હતા, જ્યારે ચાર પોલીસકર્મીઓ સહિત 17 લોકો ઘાયલ થયા હતા.
એપ્રિલમાં પાકિસ્તાનના સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 54 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ દ્વારા ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ લશ્કરની મીડિયા શાખાએ જણાવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો.
આ પણ વાંચો : હુથી બળવાખોરોનો રાતા સમુદ્રમાં મિસાઈલ હુમલો, ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ, જુઓ VIDEO