પાકિસ્તાને વધુ એક દુશ્મન દેશને છંછેડ્યો, આત્મઘાતી હુમલા થતા સરહદો બંધ કરી દીધી
Pakistan-Afghanistan Border : પાકિસ્તાનના બે જિલ્લામાં આત્મઘાતી હુમલા થયા બાદ પાકિસ્તાની સરકારે અફઘાનિસ્તાન સાથેની દુશ્મનીને વધુ ઘેરી બનાવી લીધી છે. પાકિસ્તાને અફઘાનીસ્થાન સાથેની એક મહત્ત્વની સરહદને આગામી આદેશ સુધી બંધ કરી દીધી છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સીનિયર અધિકારીએ કહ્યું કે, શનિવારે ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તર વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો અને અફઘાનિસ્તાન સરહદ પાસેના પ્રદેશમાં હિંસા થતા ગુલામ ખાન સરહદ બંધ કરી દીધી છે. હુમલા બાદ પ્રદેશમાં ડરનો માહોલ ઉભો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો થતો હતો
અધિકારીએ કહ્યું કે, હુમલા બાદ ઉત્તર વઝીરિસ્તાનમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે અને ગુલામ ખાન સરહદને અનિશ્ચિતકાળ સુધી બંધ કરી દીધો છે. હુમલામાં ઓછામાં ઓછા 13 સુરક્ષા કર્મચારીઓના મોત થયાા હતા, જ્યારે ત્રણને ઈજા થઈ હતી. પાકિસ્તાન ઘણા સમયયી આક્ષેપ કરી રહ્યો છે કે, આતંકવાદી હુમલા કરનારાઓ અફઘાનિસ્તાન તરફથી આવે છે. જોકે પાકિસ્તાની અધિકારીઓએ સરહદ બંધ કરવા પાછળ કોઈ સ્પષ્ટ કારણ કહ્યું નથી.
આ પણ વાંચો : રશિયાની યુક્રેન પર સૌથી મોટી એરિયલ સ્ટ્રાઈક, ફાઈટર જેટ F-16ના પાયલટનું મોત
સરહદ બંધ કરાતા અફઘાનિસ્તાને શું કહ્યું?
અફઘાન સરકારના સરહદી દળોના પ્રવક્તા અબીદુલ્લા ફારુકીએ રવિવારે (29 જૂન) સરહદ બંધ થવાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાની અધિકારીઓએ સરહદ બંધ કરવા પાછળ કોઈ સ્પષ્ટ કારણ કહ્યું નથી. અધિકારીઓએ સરહદ પર હાજર વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.’ અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતના પ્રાંતીય વહીવટીતંત્રે કહ્યું કે, ‘પાકિસ્તાની અધિકારીઓએ અમારા અધિકારીઓને સૂચના આપી છે કે, સુરક્ષાના કારણો સર ગુલામ ખાન સરહદનો રસ્તો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે. સરહદ ફરી ખોલવા માટે કોઈ સમય નક્કી કરાયો નથી, તે આગામી સૂચના સુધી બંધ રહેશે.’
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેનો વિવાદ
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા હાથ કર્યા પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ ઉગ્ર બની ગયો છે. બંને દેશોની સરહદો આંકતી આ ડુરાંડ લાઇન, બ્રિટિશ ઇંડીયા સમયે અખંડ હિન્દુસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બ્રિટિશ ઇંડીયાના ચીફ સર્વેયર ડુરાંડે તે રેખા આંકી હતી. પરંતુ અફઘાનિસ્તાનને તે રેખા હવે સ્વીકાર્ય નથી. તેથી પાકિસ્તાન અને તેણે પાળી પોષીને ઉભા કરેલા અફઘાનિસ્તાનના તાલીબાનો વચ્ચે વારંવાર ઝઘડા થાય છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્મિત થઇ ગઈ છે. બંને દેશો વચ્ચે અવારનવાર હુમલાઓ, એરસ્ટ્રાઈક, બોંબમારો થતા રહે છે. ગત વર્ષે પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી 51 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારબાદ અફઘાનિસ્તાને બદલો લેવાની ધમકી આપી અને પાકિસ્તાન પર શનિવારે (28 ડિસેમ્બર) હુમલો કરી 19 સૈનિકો ઠાર કર્યા હતા અને તેની બે ચોકી પણ કબ્જે કરી લીધી છે. અફઘાનિસ્તાનની આ હિંમતથી પાકિસ્તાન દંગ રહી ગયું છે. તાલિબાની લડાકુઓના હુમલાના લીધે સ્થિતિ એવી આવી છે કે પાકિસ્તાની લશ્કરે પાછું પડવું પડયું છે.
આ પણ વાંચો : ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી