'કોણ છો તમે? ID કાર્ડ બતાવો...', જર્મનીમાં અસીમ મુનીરની બેઈજ્જતી, ગાર્ડે ગેટ પર અટકાવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image : Twitter |
Asim Munir in Germany : આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની 'આબરૂ'ના ધજાગરા ઉડવાનો સિલસિલો યથાવત છે. આ વખતે વારો પાકિસ્તાનના શક્તિશાળી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો હતો, જેમને જર્મનીમાં એવી રીતે અટકાવવામાં આવ્યા કે જોનારા પણ હસી પડ્યા. મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સ (MSC) માં મુનીર પોતાની વર્દીનો વટ પાડવા ગયા હતા, પણ ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તેમને કોઈ સામાન્ય માણસની જેમ જ અટકાવીને તેમનો 'અસલી' હોદ્દો પૂછી લીધો.
'થોભો... તમારું આઈડી ક્યાં છે?'
પાકિસ્તાનમાં જેમના નામથી લોકોના પરસેવા છૂટી જાય છે અને જે પોતે આખા દેશના ભાગ્યવિધાતા હોવાનું માને છે, તે આર્મી ચીફ આસિમ મુનીરને જર્મનીમાં 'ઓળખનું સંકટ' નડ્યું. મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સમાં મુનીર જ્યારે રુઆબમાં અંદર જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત ગાર્ડે તેમને અટકાવ્યા અને પૂછ્યું, "થોભો... તમારું આઈડી ક્યાં છે?"
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સુરક્ષાકર્મીએ પાકિસ્તાની સૈન્ય પ્રમુખને બિલકુલ ભાવ આપ્યો નહીં અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ ઓળખપત્ર બતાવવા કહ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે ગાર્ડે મુનીરને તેમનું આઈડી કાર્ડ પલટાવીને બતાવવા પણ કહ્યું. પાકિસ્તાન માટે આ ઘટના કોઈ કૂટનીતિક બેઈજ્જતીથી ઓછી નથી, કારણ કે જે સેના પ્રમુખ પોતાની સત્તાના જોરે પાકિસ્તાનમાં સરકારો બદલી નાખે છે, તેમને વિદેશમાં ગેટ પર ઉભા રાખીને ઓળખ પૂછવામાં આવી.
વિશ્વભરમાં મજાક ઉડી
આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સે પાકિસ્તાની કૂટનીતિના લબડધબડ હાલત પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના જ પૂર્વ સૈન્ય અધિકારી આદિલ રાજાએ આ મામલે ચપટી લેતા કહ્યું કે, "દુનિયામાં તેમને કોઈ ઓળખતું નથી. જે મુનીર પાકિસ્તાનમાં સિંહ બને છે, તેમને જર્મનીના ગેટ પર ઊભેલા ગાર્ડને પણ પોતાનો પરિચય આપવો પડે છે."
જર્મનીમાં થયો વિરોધ
ફક્ત બેઈજ્જતી જ નહીં, આસિમ મુનીર માટે જર્મનીમાં વિરોધ પણ વેંઢારવો પડ્યો. જર્મનીના સિંધી સંગઠન 'જેય સિંઘ મુત્તાહિદા મહાજ' (JSMM) એ કોન્ફરન્સ સ્થળની બહાર જોરદાર દેખાવો કર્યા. તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનોને પત્ર લખીને આસિમ મુનીર જેવા વ્યક્તિને આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં બોલાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠને આક્ષેપ કર્યો કે પાકિસ્તાની સેનાનો ઈતિહાસ માનવાધિકાર ઉલ્લંઘન અને લોહીની હોળી ખેલવાનો રહ્યો છે.








