World

'એક પણ ખાડો નહીં...', ભારતના પાડોશી દેશમાં ફરીને પાછી આવેલી મહિલાએ શેર કર્યા ચોંકાવનારા અનુભવ

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
શ્રીલંકાના 7 દિવસના પ્રવાસમાં રૂથ ડિસોઝા પ્રભુને અવિશ્વસનીય અનુભવ થયો છે. તેમણે 700 કિલોમીટરની રોડ ટ્રીપમાં એકપણ ખાડો જોયો નથી. ત્યાંના રસ્તાઓ સ્વચ્છ છે, 'રોડ રેજ' નથી અને ઝેબ્રા ક્રોસિંગ પર વાહનો આપોઆપ ઊભા રહી જાય છે. બીચ પર કચરો નથી અને મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરે છે. આર્થિક સંકટ છતાં શ્રીલંકાની સ્વચ્છતા અને ટ્રાફિક સેન્સ પ્રશંસનીય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'એક પણ ખાડો નહીં...', ભારતના પાડોશી દેશમાં ફરીને પાછી આવેલી મહિલાએ શેર કર્યા ચોંકાવનારા અનુભવ

Seven Days, Zero Potholes: વિદેશ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને અવારનવાર નવી સંસ્કૃતિ અને જીવનશૈલીના કારણે ‘કલ્ચર શોક’ લાગતો હોય છે. સામાન્ય રીતે ભારતીયો જ્યારે યુરોપ કે અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં જાય ત્યારે ત્યાંની ચોખ્ખાઈ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. જોકે, હાલમાં રૂથ ડિસોઝા પ્રભુ નામની એક ભારતીય મહિલાને પડોશી દેશ શ્રીલંકાની મુલાકાત દરમિયાન એક અવિશ્વસનીય અનુભવ થયો છે. આ મહિલાએ શ્રીલંકાના રસ્તાઓની અદ્ભુત ચોખ્ખાઈ અને ત્યાંના લોકોની સિવિક સેન્સ જોઈને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે, જેની પોસ્ટ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.


7 દિવસની સફર અને 700 કિલોમીટરની રોડ ટ્રીપમાં ન મળ્યો એકપણ ખાડો

મહિલાએ પોતાની પોસ્ટમાં સૌથી મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે, તેણે પોતાના 7 દિવસના શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટેક્સી દ્વારા આશરે 650થી 700 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી રોડ માર્ગે કરી હતી. આટલી લાંબી સફર દરમિયાન તેને આખા દેશમાં રસ્તા પર એકપણ ખાડો જોવા મળ્યો નહોતો. 2022માં આર્થિક કટોકટીનો સામનો કરી ચૂકેલા આ નાના ટાપુ દેશે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી જે રીતે કરી છે, તે જોઈને તે દંગ રહી ગઈ હતી.


રોડ રેજ બિલકુલ ગાયબ, ઝેબ્રા ક્રોસિંગ પર વાહનો આપોઆપ ઊભા રહી જાય છે


પ્રવાસ દરમિયાન મહિલાને બીજો મોટો કલ્ચર શોક ત્યાંના લોકોની અદ્ભુત ટ્રાફિક સેન્સ જોઈને લાગ્યો હતો. રસ્તાઓ પર પ્રદૂષણ કે ગંદકી તો દૂરની વાત છે, પરંતુ વાહનચાલકો વચ્ચે કોઈ ‘રોડ રેજ’ (રોડ પર ગાળાગાળી કે ઝઘડા) જોવા મળતો નથી. મહિલાએ એક કિસ્સો શેર કર્યો કે એક સાંકડા રસ્તા પર સામસામે 2 ગાડીઓ આવી ગઈ, ત્યારે ઝઘડો થવાને બદલે બંને ડ્રાઇવરોએ હસીને વાત કરી અને રસ્તો ક્લિયર કરી આપ્યો હતો. એટલું જ નહીં, ઝેબ્રા ક્રોસિંગ પાસે પગપાળા ચાલનારા નાગરિકોને જોતાં જ વાહનચાલકો પોતાની ગાડી જાતે જ રોકી દે છે, જે ભારતના મોટા શહેરોમાં ભાગ્યે જ જોવા મળે છે.

બીચ પર કચરો નથી અને મહિલાઓને કોઈ ઘૂરતું નથી


મહિલાએ શ્રીલંકાના સમુદ્ર કિનારાની પ્રશંસા કરતાં લખ્યું કે, ત્યાં ક્યાંય પ્લાસ્ટિકની બોટલો, કચરો કે કાચના ટુકડા જોવા મળતા નથી. આ સાથે જ મહિલાઓની સુરક્ષા અને સન્માન અંગે વાત કરતાં તેણે જણાવ્યું કે, બીચ પર સ્વિમસૂટ પહેરેલી મહિલાઓને ત્યાંના સ્થાનિક લોકો ગંદી નજરે ઘૂરતા નથી કે વિદેશી પ્રવાસીઓ સાથે જબરદસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ પણ કરતા નથી. ત્યાંના લોકો ખૂબ જ નમ્ર, શાંત અને મહેમાનનવાઝ છે, જેઓ ભાષા ન આવડતી હોય તો પણ ઇશારાઓથી પ્રવાસીઓની મદદ કરે છે.


ભારતે પાડોશી દેશમાંથી ઘણું શીખવાની જરૂર છે

રૂથ ડિસોઝાએ પોતાની પોસ્ટના અંતમાં ભારતીય નાગરિકોને એક કડવો બોધપાઠ આપતાં લખ્યું કે, આપણો દેશ ભારત કદ અને અર્થવ્યવસ્થામાં ઘણો મોટો છે, છતાં પણ આપણે આવી પાયાની સિવિક સેન્સ અને ચોખ્ખાઈ જાળવવામાં પાછળ છીએ. આર્થિક સંકટ હોવા છતાં શ્રીલંકાના લોકો પોતાની જવાબદારી સમજે છે. આપણે સોશિયલ મીડિયા પર ફેક દેશભક્તિ બતાવવાને બદલે વાસ્તવિક જીવનમાં પોતાની આસપાસની જગ્યા ચોખ્ખી રાખવાની આદત કેળવવી જોઈએ.