For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તાઈવાન ફરતા ચીનના 9 યુદ્ધ વિમાનો અને પાંચ યુદ્ધ જહાજો ઘૂમી રહ્યા છે

Updated: May 5th, 2024

તાઈવાન ફરતા ચીનના 9 યુદ્ધ વિમાનો અને પાંચ યુદ્ધ જહાજો ઘૂમી રહ્યા છે

- તાઇવાને રક્ષણાર્થે યુદ્ધ વિમાનો, યુદ્ધ નૌકાઓ અને કોસ્ટલ મિસાઇલ્સ સીસ્ટીમ તૈનાત કરી દીધા છે

તાઇપી (તાઇવાન) : તાઇવાનની મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડીફેન્સ (એમએનડી)એ આજે (શનિવારે) જણાવ્યું હતું કે, શુક્રવારે સવારના ૬ વાગ્યાથી શનિવારે સવારના છ વાગ્યા સુધીમાં તેને ચીનનાં ૯ યુદ્ધ વિમાનો અને પાંચ યુદ્ધ જહાજો તાઇવાન ફરતા ઘૂમી રહેલા નોંધ્યા છે.

આ સાથે તાઇવાને પણ પરિસ્થિતિનો અંદાજ મેળવી પોતાના યુદ્ધ વિમાનો અને યુદ્ધ નૌકાઓ તથા કોસ્ટલ મિસાઇલ્સ સીસ્ટીમસ તૈનાત કરી દીધાં છે.

આ માહિતી આપતાં પોસ્ટ 'ટ' ઉપર તાઇવાનનાં સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર મે મહિનાના જ પહેલા ૪ દિવસોમાં ચીનનાં કુલ ૨૬ યુદ્ધ વિમાનો તાઇવાનની પાસે ઉડતાં દેખાયા હતા. જ્યારે પાંચ યુદ્ધ-નૌકાઓ તાઇવાન ફરતી સતત ઘૂમી રહી છે.

તાઇવાનનાં સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે તે ૨૬ યુદ્ધ વિમાનો પૈકી ૧૪ વિમાનોએ તો તાઇવાનની સમુદ્ર ધૂનિમાં નિશ્ચિત કરાયેલી ભેદરેખા ઓળંગી તાઇવાન તરફ ઉડયા હતા. તે પૈકી બે તો ઉત્તર-પૂર્વમાં એસ્ડીફેન્સ-આઈડેન્ટીફીકેશન ઝોન (એડીઆઈઝેડ) સંપૂર્ણ રીતે ઓળંગી પાછાં ગયા હતા.

તાઈવાન ન્યુઝ એજન્સી વધુમાં જણાવે છે કે, તાઇવાન પરિસ્થિતિ ઉપર પૂરેપૂરૃં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મે મહિનાના પહેલા ૪ દિવસમાં જ ચીનનાં યુદ્ધ વિમાનોએ ૩૦ વખત ડીવાઈડીંગ લાઇન ઓળંગી હતી. વાસ્તવમાં સપ્ટેમ્બર ૨૦૨૦થી જ ચીને 'ગ્રે-ઝોન-ટેક્ટિકસ' (અસ્પષ્ટ સીમા મર્યાદા અંગેની છલના) શરૂ કરી દીધી છે, તેથી તાઇવાને તેની 'કીલ-ચેઇન' નીચે વધુને વધુ શસ્ત્રો એકત્રિત કરવા લાગ્યું છે. તેમ કહેતા તાઇવાન ન્યૂઝ જણાવે છે કે, 'કીલ-ચેઇન' એટલે તેવા શસ્ત્રોની શ્રૃંખલા કે જે તેના નિશાનને શોધી કાઢી તેને બરોબર નિશાન બનાવી સાફ કરી નાખે છે.

આ ઘટના ઉપરથી વિશ્લેષકો તેવી ભીતિ દર્શાવે છે કે, દુનિયાનું ધ્યાન અત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ અને તેથીએ વધુ હમાસ-ઈઝરાયલ-ઈરાન યુદ્ધ તરફ છે ત્યારે તે પરિસ્થિતિનો લાભ લઈ ચીન કદાચ તાઇવાન પર હુમલો કરે તો તેને બચાવવા અમેરિકાએ પડવું જ પડે તો વ્યાપક યુદ્ધ થવાની પણ શક્યતા રહેલી છે.

Gujarat