નાઈજિરિયામાં બંદૂકધારીઓએ 100થી વધુને ગોળીઓથી વીંધી નાખ્યા, રૂમમાં પૂરી બાળ્યાં

| AI Image |
Nigeria Benue Massacre: નાઈજિરિયાના સેન્ટ્રલ બેન્યૂ રાજ્યના યેલેવાટા ગામમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના બની હતી. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ નાઇજિરિયાએ શનિવારે (14મી જૂન) જણાવ્યું હતું કે, 'શુક્રવારે (13મી જૂન) મોડી રાત્રેથી શનિવાર વહેલી સવાર સુધી બેન્યૂના યેલેવાટા ગામમાં બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.'
બેન્યૂ સ્ટેટમાં હિંસા વધી
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ નાઇજિરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ઘણાં લોકો હજુ પણ ગુમ છે, ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને પૂરતી તબીબી સંભાળ મળી નથી. અનેક પરિવારોને તેમના રૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.'
તેમણે 'X' પર લખ્યું કે, 'બેન્યૂ સ્ટેટમાં હિંસક હુમલાઓમાં ચિંતાજનક વધારો થયો છે. બંદૂકધારીઓ લોકોની હત્યા કરી રહ્યા છે અને તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ હુમલાઓને કારણે લોકો મોટા પાયે વિસ્થાપિત થઈ રહ્યા છે અને ખાદ્ય સુરક્ષા પણ જોખમમાં છે, કારણ કે મોટાભાગના મૃતકો ખેડૂતો છે.'
જમીન વિવાદો, ધાર્મિક અને વંશીય તણાવ હિંસાનું મૂળ
નાઈજિરિયાના બેન્યૂ રાજ્યમાં ઉત્તરના મુસ્લિમ સમુદાયો અને દક્ષિણના ખ્રિસ્તી સમુદાયોનું સંગમ સ્થાન છે. આ વિસ્તાર ઘણીવાર જમીનના ઉપયોગ અંગે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે વિવાદોનું કેન્દ્ર રહે છે. જ્યારે પશુપાલકો તેમના પશુઓ માટે ગોચર શોધે છે, ત્યારે ખેડૂતો ખેતીની જમીનની જરૂરિયાતને કારણે વિરોધ કરે છે. આ સંઘર્ષો ઘણીવાર વંશીય અને ધાર્મિક તણાવ હિંસામાં ફેરવાય છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં પોલીસે ધરપકડ વખતે ઘૂંટણથી ગળું દબાવતાં ભારતીય મૂળના નાગરિકનું મોત
અત્યાર સુધીમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા જ બેન્યુના ગ્વેર વેસ્ટ જિલ્લામાં શંકાસ્પદ પશુપાલકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા હતા. રિસર્ચ ફર્મ SBM ઇન્ટેલિજન્સ અનુસાર, 2019થી, આવી હિંસક અથડામણોમાં 500થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 2.2 મિલિયન લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

