Get The App

મને કિડનેપ કરાયો, હું આજેય વેનેઝુએલાનો પ્રમુખ છું... જાણો અમેરિકાની કોર્ટમાં માદુરોએ શું કહ્યું

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
Nicolas Maduro


(IMAGE - IANS)

Nicolas Maduro: વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને જ્યારે સોમવારે મેનહટનની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે માહોલ અત્યંત તણાવપૂર્ણ અને નાટકીય હતો. ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો-ટેરરિઝમના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા માદુરોએ કોર્ટરૂમમાં પોતાની પ્રથમ પેશી દરમિયાન આક્રમક વલણ અપનાવ્યું હતું અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. આ સુનાવણી 40 મીનીટ સુધી ચાલી હતી. 

કોર્ટરૂમમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

પગમાં બેડીઓ સાથે કોર્ટમાં પગ મૂકતાની સાથે જ માદુરોએ હાજર રિપોર્ટરો અને જનતા તરફ જોઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે જજ એલ્વિન હેલરસ્ટીને તેમની ઓળખની પુષ્ટિ કરવા કહ્યું, ત્યારે માદુરોએ સ્પેનિશમાં શાંત પણ મક્કમ લહેજે જવાબ આપ્યો કે, 'હા, હું નિકોલસ માદુરો છું. હું વેનેઝુએલા ગણરાજ્યનો પ્રમુખ છું. 3 જાન્યુઆરીના રોજ કરાકાસમાં મારા ઘરેથી મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મને અહીં બંદી બનાવીને રખાયો છે.' જોકે, જજે તેમને વચ્ચે જ અટકાવીને કહ્યું હતું કે તમારી નિર્દોષતા સાબિત કરવા માટે યોગ્ય સમય અને સ્થળ નક્કી કરવામાં આવશે.

જેલના યુનિફોર્મમાં માદુરો દંપતી

63 વર્ષીય માદુરો અને તેમની પત્ની સિલિયા બ્લુ અને ઓરેન્જ કલરના જેલના શર્ટ અને ખાખી પેન્ટમાં જોવા મળ્યા હતા. તેઓ સ્પેનિશ અનુવાદ સાંભળવા માટે હેડફોન લગાવીને બેઠા હતા. માદુરો પોતાની સાથે એક પીળું લીગલ પેડ લાવ્યા હતા, જેમાં તેઓ સતત નોટ્સ લેતા જોવા મળ્યા હતા.

બીજી તરફ, તેમના પત્ની સિલિયા ફ્લોરેસના ચહેરા અને આંખો પાસે ઈજાના નિશાન દેખાતા હતા. તેમના વકીલોએ દાવો કર્યો હતો કે ધરપકડની કાર્યવાહી દરમિયાન તેમને આ ઈજાઓ પહોંચી હતી અને કોર્ટ પાસે તેમના માટે તબીબી સારવારની માંગ કરી હતી.

આ પણ વાંચો: 'PM મોદી મૌન કેમ છે?', ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારથી 3 સવાલ

બ્રુકલિનની એ 'નરક જેવી' જેલમાં માદુરોને રખાયા

માદુરોને ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર(MDC)માં રાખવામાં આવ્યા છે. આ એ જ જેલ છે જે તેની ગંદકી, હિંસા અને અસુવિધાઓ માટે કુખ્યાત છે. આ જેલમાં અગાઉ આર. કેલી, સીન 'ડિડી' કોમ્બ્સ અને ક્રિપ્ટો કિંગ સેમ બેંકમેન-ફ્રાઈડ જેવા કેદીઓ રહી ચૂક્યા છે.

વેનેઝુએલામાં ડેલસી રોડ્રિગેઝે સંભાળી કમાન

બીજી તરફ વેનેઝુએલામાં સત્તાનું પરિવર્તન થયું છે. ડેલસી રોડ્રિગેઝે સત્તાવાર રીતે અંતરિમ પ્રમુખ તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ દરમિયાન ડેલસી ભાવુક થઈ ગયા હતા અને માદુરો દંપતીને 'અસલી હીરો' ગણાવ્યા હતા. તેમણે અમેરિકા સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'વેનેઝુએલા હવે કોઈનું ગુલામ નહીં બને.'

ડ્રગ્સ અને હથિયારોના ગંભીર આરોપો

અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો પર અત્યંત ગંભીર આરોપો મૂક્યા છે, જે તેમને આજીવન કેદની સજા સુધી લઈ જઈ શકે છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, માદુરો પર મુખ્યત્વે 'નાર્કો-ટેરરિઝમ' એટલે કે નશીલા પદાર્થોના વેપાર દ્વારા આતંકવાદ ફેલાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ ઉપરાંત, તેમના પર અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોટા પાયે કોકેન આયાત કરવાનું કાવતરું ઘડવા અને મશીનગન તથા વિનાશક હથિયારો રાખવા જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયા છે. 

આ પણ વાંચો: વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે અમેરિકા: ટ્રમ્પની જાહેરાત- અમે પહેલા તેમની અર્થવ્યવસ્થા ઠીક કરીશું

જોકે, સોમવારે કોર્ટમાં પ્રથમ પેશી દરમિયાન માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા હતા. માદુરોએ આક્રમક રીતે પોતાનો બચાવ કરતા જજ સામે કહ્યું હતું કે, "હું એક સભ્ય અને નેક માણસ છું તથા સંપૂર્ણપણે નિર્દોષ છું. મારું અપહરણ કરવામાં આવ્યું છે અને હું હજુ પણ મારા દેશનો કાયદેસરનો પ્રમુખ છું.'

આ કેસની આગામી સુનાવણી 17 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી માદુરો અને તેમનો પરિવાર અમેરિકન જેલમાં જ રહેશે.

મને કિડનેપ કરાયો, હું આજેય વેનેઝુએલાનો પ્રમુખ છું... જાણો અમેરિકાની કોર્ટમાં માદુરોએ શું કહ્યું 2 - image