Congress Questions PM Modi Over Trump Remarks : ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા તે બાદથી જ ભારત અને અમેરિકાના સંબંધો સતત વણસી રહ્યા છે. રશિયા સાથેના ભારતના સંબંધો મુદ્દે ટ્રમ્પ સતત દબાણ બનાવી રહ્યા છે અને ભારત પર ટેરિફ પણ લગાવ્યો છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા નિવેદન મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા છે.
ખડગેનો PM મોદી સામે સવાલ
ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે, કે મને સમજાતું નથી કે વડાપ્રધાન મોદી ટ્રમ્પની સામે કેમ નમતું જોખી રહ્યા છે. આ નીતિ દેશ માટે આરી નથી. તમારે દેશ માટે ઊભા થવું પડશે. દેશે તમને માથું હલાવવા માટે વડાપ્રધાન નથી બનાવ્યા. ખડગેએ વધુમાં કહ્યું, કે ડોનાલ્ડ ટ્રમ્પ 70 વખત કહી ચૂક્યા છે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું.
ટ્રમ્પે કહ્યું હતું- ભારતે મને ખુશ કરવા રશિયાથી ઓઈલની આયાત ઘટાડી
નોંધનીય છે કે એક દિવસ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે મને ખુશ કરવા માટે ભારતે રશિયાથી ઓઈલની આયાત ઘટાડી છે. આટલું જ નહીં તેમણે ફરી ભારતને ધમકી આપી હતી કે જો ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફ વધારવામાં આવશે.
ટ્રમ્પના આ નિવેદન બાદ કોંગ્રેસે 3 સવાલ પૂછ્યા છે : 1. શું ભારતની વિદેશનીતિ અમેરિકા નક્કી કરશે? 2. ટ્રમ્પને ખુશ કરવા માટે ભારતે રશિયાથી ઓઈલની આયાત ઘટાડી? 3. ટ્રમ્પની ધમકીઓ પર વડાપ્રધાન મોદી મૌન કેમ છે?
ભારત રશિયાથી ઓઈલ ખરીદે તેમાં અમેરિકાને કેમ વાંધો?
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો હતો. જે બાદ ભારતે રશિયાથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી હતી. જેને લઈને અમેરિકા સતત નારાજગી વ્યક્ત કરતું રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે ઓઈલ ખરીદીને ભારત યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યું છે. જોકે અગાઉ પણ ભારતે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અમે ભારતીયોના હિત માટે જ્યાંથી સારી કિંમતમાં ઓઈલ મળશે ત્યાંથી ખરીદીશું.


