Get The App

વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે અમેરિકા: ટ્રમ્પની જાહેરાત- અમે પહેલા તેમની અર્થવ્યવસ્થા ઠીક કરીશું

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
Trump Venezuela Policy


(IMAGE - IANS)

Trump Venezuela Policy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સ્થિતિ અંગે અત્યંત મહત્ત્વનું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા વેનેઝુએલા સાથે કોઈ યુદ્ધમાં નથી, પરંતુ ત્યાં અત્યારે તાત્કાલિક ચૂંટણી કરાવવાનું કોઈ દબાણ પણ કરવામાં આવશે નહીં. ટ્રમ્પના મતે, ચૂંટણી પહેલા દેશને સ્થિર કરવો અને ત્યાંની ભાંગી પડેલી વ્યવસ્થાને ફરી બેઠી કરવી પ્રાથમિકતા છે.

અમે પહેલા તેમની અર્થવ્યવસ્થા ઠીક કરીશું: ટ્રમ્પ

એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી 30 દિવસમાં વેનેઝુએલામાં ચૂંટણી શક્ય નથી. તેમણે કહ્યું, 'અમારે પહેલા દેશને ઠીક કરવો પડશે. જો લોકો વોટ આપી શકવાની સ્થિતિમાં જ ન હોય, તો ચૂંટણી કેવી રીતે કરાવી શકાય? અત્યારે અમેરિકાનું પૂરું ધ્યાન ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા પર છે.'

ઓઇલ કંપનીઓની ભૂમિકા અને આર્થિક પુનરુત્થાન

ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના તેલ ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે એક મહત્વાકાંક્ષી આર્થિક યોજના રજૂ કરી છે, જેમાં અમેરિકન તેલ કંપનીઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહેશે. આ પ્લાન મુજબ, વેનેઝુએલાના ભાંગી પડેલા એનર્જી સેક્ટરને ફરીથી કાર્યરત કરવાની જવાબદારી અમેરિકન કંપનીઓ સંભાળશે, જેનાથી દેશના આર્થિક પુનરુત્થાનને વેગ મળશે. ટ્રમ્પનો અંદાજ છે કે આ સમગ્ર પ્રક્રિયા 18 મહિનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય તેમ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ માટેનો પ્રારંભિક ખર્ચ તેલ કંપનીઓ પોતે જ ભોગવશે અને ત્યારબાદ તેલના વેચાણમાંથી થતી આવક દ્વારા તેઓ પોતાની લાગત વસૂલ કરી શકશે.

અમે ડ્રગ્સ વેચનારાઓ સાથે યુદ્ધમાં છીએ

અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધમાં હોવાના દાવાઓને ફગાવતા ટ્રમ્પે આક્રમક અંદાજમાં કહ્યું કે, 'અમે એ લોકો સામે યુદ્ધમાં છીએ જેઓ ડ્રગ્સ વેચે છે અને પોતાની જેલો ખાલી કરીને ડ્રગ એડિક્ટ્સ તથા માનસિક દર્દીઓને અમેરિકામાં મોકલી દે છે. વેનેઝુએલાની આ હાલતના જવાબદાર ત્યાંનું જૂનું નેતૃત્વ છે. 

'હું ચલાવી રહ્યો છું વેનેઝુએલા'

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે હાલમાં વેનેઝુએલાનું સંચાલન કોણ કરી રહ્યું છે, ત્યારે તેમણે માત્ર એક શબ્દમાં જવાબ આપ્યો હતો- 'હું' (I am).

આ પણ વાંચો: 'PM મોદી મૌન કેમ છે?', ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારથી 3 સવાલ

તેમણે વધુમાં કહ્યું કે, 'વિદેશ મંત્રી માર્કો રુબિયો વેનેઝુએલાના નેતૃત્વ સાથે સતત સંપર્કમાં છે. જો સહયોગ તૂટશે તો અમેરિકા બીજી સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયાર છે, જોકે તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેની જરૂર નહીં પડે.

માદુરોની ધરપકડ અને રોડ્રિગ્ઝનો સહયોગ

નોંધનીય છે કે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની કારાકાસમાં અમેરિકી કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેમની સામે ન્યૂયોર્કમાં નશીલા પદાર્થોની તસ્કરીના ગંભીર આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે રોડ્રિગ્ઝ અત્યારે અમેરિકન અધિકારીઓને સહયોગ આપી રહ્યા છે.

વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે અમેરિકા: ટ્રમ્પની જાહેરાત- અમે પહેલા તેમની અર્થવ્યવસ્થા ઠીક કરીશું 2 - image