નેપાળમાં નવી સરકારનો મોટો નિર્ણય, આંદોલનમાં જીવ ગુમાવનાર યુવાઓને મળશે શહીદનો દરજ્જો, 17 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક
Nepal New Sushila Karki Government : નેપાળમાં 8મી સપ્ટમ્બરે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાયો હતો, જેના કારણે રોષે ભભૂકેલા Gen-Zએ ભારે ઉથલ-પાથલ મચાવી હતી અને દેશભરમાં ચોતરફ આગચંપી અને હિંસાઓ થઈ હતી. હવે નેપાળમાં સુશીલા કાર્કીની વચગાળાની સરકાર રચવામાં આવી છે, જેના કારણે નેપાળમાં સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. આજે (15 સપ્ટેમ્બર) સુશીલા સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં ત્રણ નવા મંત્રીઓને સામેલ કરાયા છે. આ સાથે નવી સરકારમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની નવી કેબિનેટે 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે. આ શોક Gen-Zના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામેલા તમામ યુવાઓની વીરતા અને બલિદાનને સન્માનિત કરવા માટે સમર્પિત કરાયો છે.
જીવ ગુમાવનારા યુવાઓને મળશે શહીદનો દરજ્જો
નેપાળની નવી સુશીલા કાર્કીની સરકારે આંદોલન (Gen-Z Protest)માં જીવ ગુમાવનાર યુવાઓને શહીદનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેમના બલિદાનને રાષ્ટ્રીય સન્માન આપવાની દિશામાં એક મહત્ત્વનું અને આતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. બલિદાન આપનારા યુવાઓના સન્માનમાં 17 સપ્ટેમ્બરે દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. બીજીતરફ કેબિનેટે ઓલી સરકારના તમામ નિર્ણયો અને પ્રસ્તાવને રદ કરી દીધા છે.
ઓલી સરકારના એક નિર્ણયના કારણે નેપાળ સળગ્યું
વાસ્તવમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન કે.પી.ઓલી શર્માની સરકારે 8 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી, જેના કારણે ‘Gen-Z’ દેખાવકારો રોષે ભભૂક્યા હતા અને તેઓએ અનેક સરકારી બિલ્ડિંગો પર હલ્લાબોલ કરી બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. ઘણા દિવસથી સળગી રહેલા નેપાળમાં સુપ્રીમ કોર્ટથી લઈને વડાપ્રધાન-મંત્રીઓના નિવાસસ્થાનો સહિત અનેક બિલ્ડિંગો સળગાવી દેવાયા છે. એટલું જ નહીં મંત્રીઓને પર માર મારીને ભગાડવા ઉપરાંત મોટને ઘાટ ઉતારી દેવાયા છે.
Gen-Zએ પોતાની પસંદગીની સરકાર રચી
દેશમાં Gen-Z એટલે કે યુવાઓના આંદોલનના કારણે માત્ર ચાર દિવસમાં ઓલી સરકાર ફેંકાઈ ગઈ અને પોતાની પસંદગી મુજબની નવી સરકારની રચના કરી દીધી છે. રાજધાની કાઠમંડૂ, પોખરા, બુટવલ સહિત દેસભરમાં અનેક સ્થલોએ ઓલી સરકાર વિરુદ્ધ દેખાવો થયા હતા. જોકે, રાષ્ટ્રપતિ, મેયર અને સેના પ્રમુખે અપીલ કર્યા બાદ બાદ પ્રદર્શનકારીઓ શાંત થયા છે અને હવે દેશ ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. વિરોધ પ્રદર્શનોમાં સામેલ યુવાઓએ સામાજિક અને રાજકીય ન્યાયની માંગ કરી પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. રિપોર્ટ મુજબ આંદોલનમાં કુલ 72 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 59 દેખાવકારો, જેલના 10 કેદી અને ત્રણ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. જ્યારે હજારોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.