સુપ્રીમ કોર્ટે તંબૂમાં કરવી પડી સુનાવણી, ‘Gen-Z’ના આંદોલન બાદ કેવી થઈ ગઈ નેપાળની હાલત? સામે આવી તસવીર
Nepal Gen-Z Protest : નેપાળની સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા બાદ ‘Gen-Z’ દેખાવકારો રોષે ભભૂક્યા હતા અને તેઓએ અનેક સરકારી બિલ્ડિંગો પર હલ્લાબોલ કરી બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. હાલ નેપાળ એવી ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે, જે જોતા વિશ્વભરને આંચકો લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સળગી રહેલા નેપાળમાં સુપ્રીમ કોર્ટથી લઈને વડાપ્રધાન-મંત્રીઓના નિવાસસ્થાનો સહિત અનેક બિલ્ડિંગો સળગાવી દેવાયા છે. એટલું જ નહીં મંત્રીઓને પર માર મારીને ભગાડવા ઉપરાંત મોટને ઘાટ ઉતારી દેવાયા છે. જોકે, રાષ્ટ્રપતિ, મેયર અને સેના પ્રમુખે અપીલ કર્યા બાદ બાદ પ્રદર્શનકારીઓ શાંત થયા છે અને હવે દેશ ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે એક ચોંકાવનારો ફોટો સામે આવ્યો છે, જેમાં નેપાળની સુપ્રીમ કોર્ટે તંબૂમાં સુનાવણી શરૂ કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
નેપાળ સુપ્રીમ કોર્ટની તંબૂમાં સુનાવણી, તસવીર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં દેખાય છે કે, નેપાળની સુપ્રીમ કોર્ટની કાર્યવાહી એક તંબૂમાં ચલાવવામાં આવી રહી છે. કર્ફ્યુ હટાવ્યા બાદ સરકારી કચેરીઓ અને કોર્ટે ખુલી ત્યારે દરેક જગ્યાએ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કાઠમંડુમાં સુપ્રીમ કોર્ટ પણ ખુલી ગઈ છે, જ્યાં કામચલાઉ ધોરણે તંબૂમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ તંબુ પર ‘સુપ્રીમ કોર્ટ, નેપાળ’ લખેલું છે. કર્મચારીઓ ટેન્ટમાં સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. આ તસવીર લોકશાહી દેશની નિષ્ફળતાને પ્રતિબિંબ કરી રહી છે.
દસ્તાવેજો બળી જતા સુપ્રીમ કોર્ટ માટે કેસો ચલાવવા પડકાર બન્યા
સુપ્રીમ કોર્ટ કેસોની સુનાવણી ચલાવવાના મોટો પડકારનો સામનો કરી રહી છે. કોર્ટને અરજદારોને આગળની તારીખો આપવી પડી રહી છે, કારણ કે હિંસામાં આગચંપી અને તોડફોડ થવાના કારણે ઘણા કેસોના દસ્તાવેજો બળી ગયા છે અથવા ખોવાઈ ગયા છે. નેપાળ બાર એસોસિયેશનના પ્રમુખ વિજય પ્રસાદ મિશ્રાએ કહ્યું કે, આ સ્થિતિમાં અદાલત સંપૂર્ણપણે કામ કરી શકે તેમ નથી, પરંતુ ધીમે ધીમે તેને પાટા પર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : વધુ એક મુસ્લિમ દેશને ઈઝરાયલના હુમલાનો ડર લાગ્યો, 6 દેશોને હચમચાવી ચૂકી છે યહૂદી સૈના
સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે નેપાળમાં હિંસા
ઉલ્લેખનીય છે કે, 8 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાતા યુવા દેખાવકારો ઉગ્ર બન્યા હતા અને ચોતરફ હિંસા શરૂ કરી દીધી હતી. દેખાવકારોએ સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન અને રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત અનેક સરકારી કચેરીઓને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં, દેખાવકારોએ નાયબ વડાપ્રધાન અને નાણામંત્રીને રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના ઘર પર પણ હુમલો થયો હતો. આ હિંસામાં પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલની પત્નીને ઘરમાં બંધ કરીને આગ લગાવાતા તેમનું મોત થયું હતું.
છેવટે દેખાવકારોનો ગુસ્સો જોતા વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે હિંસાએ ચઢેલા દેખાવકારોને શાંત થવાની અપીલ કરતા મામલે આંશિક થાળે પડ્યો છે. હવે સુશીલા કાર્કીને નેપાળના નવા વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે, જેમની સામે દેશમાં શાંતિ અને વ્યવસ્થા ઉભી કરવાનો મોટો પડકાર છે.
આ પણ વાંચો : અમેરિકાના વિદેશમંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 32ના મોત