નેપાળમાં દેખાવકારો વચ્ચે હથિયારધારી ક્યાંથી ઘૂસ્યાં, આ લોકો કોણ હતા? જાણો હવે કોની સત્તા?
Image: IANS |
Nepal Protest: નેપાળમાં છેલ્લા બે દિવસમાં વિરોધ પ્રદર્શનોનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સોમવારે રાજધાની કાઠમાંડુના રસ્તાઓ પર સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ માત્ર 24 કલાકમાં જ પરિસ્થિતિ હિંસક વળાંક લેવા લાગી. મંગળવારે, વિરોધીઓ હથિયારો સાથે હિંસક સ્વરૂપમાં બહાર આવ્યા. અજાણ્યા સશસ્ત્ર લોકો વિરોધ પ્રદર્શનનો ભાગ બનીને સરકાર વિરુદ્ધ હિંસાનો માર્ગ અપનાવી રહ્યા છે.
રાજકીય નેતાઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા?
નિષ્ણાતોનું માનવું છે કે, નેપાળમાં આ અરાજકતા કેટલાક સ્વાર્થી જૂથો અને રાજકીય નેતાઓ દ્વારા ઉશ્કેરવામાં આવી રહી છે, જેઓ આ વાતાવરણનો લાભ લઈને સરકાર બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનની આડમાં ઔદ્યોગિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનો પર હુમલા થઈ રહ્યા છે. મૉલ અને બેન્કોમાં તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી છે. પ્રદર્શનકારીઓએ નેપાળી પ્રમુખનો આવાસ, સંસદ, સુપ્રીમ કોર્ટ અને વડાપ્રધાન કાર્યાલયમાં આગ લગાવી દીધી છે. ઘણા મંત્રીઓના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને રસ્તાઓ પર મારપીટનો પણ સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી
સેના પાસે માંગી મદદ
પરિસ્થિતિ વધુ બગડતા, નેપાળી સેનાને પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, એક દિવસ પહેલા જ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સેનાને મદદ માટે વિનંતી કરી હતી, પરંતુ સેનાએ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ, ઓલીને રાજીનામું આપવું પડ્યું અને તેઓ હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળે ગયા.
કેમ શરૂ થયા રમખાણો?
આ હિંસક ઉથલપાથલ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના વિરોધમાં શરૂ થઈ હતી. પરંતુ વિરોધ શાંતિપૂર્ણ હોવા છતાં, અચાનક હિંસા અને અરાજકતામાં ફેરવાઈ ગયો. એક ફોટામાં, વિરોધીઓ સુપ્રીમ કોર્ટની સામે હથિયારો ઊંચા કરીને ઊભા રહેલા જોવા મળે છે, જ્યારે બીજા ફોટામાં, તેઓએ સિંઘ દુર્ગાબાર ઓફિસ સંકુલ પર કબજો કરીને હિંસા આચરી હતી. વિરોધ દરમિયાન ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને સરકારી મથકોને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ
બાંગ્લાદેશ જેવી સ્થિતિ?
નિષ્ણાતો કહે છે કે, સત્તા પરિવર્તનનું આ મોડેલ બાંગ્લાદેશ જેવું હોઈ શકે છે, જ્યાં સામાજિક અસંતોષના બહાને સત્તા પરિવર્તન કરવામાં આવે છે. હાલમાં, નેપાળમાં સેનાએ નિયંત્રણ મેળવી લીધું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ વાતાવરણ હજુ પણ તંગ છે અને આગળ શું થશે તે કહેવું મુશ્કેલ છે.