સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ
- ત્રણ શહીદ જવાનોમાં બે અગ્નિવીરનો પણ સમાવેશ
- ગુમ જવાનોની શોધખોળ શરૂ, એક કેપ્ટનને રેસ્ક્યૂ કરાયા 1984થી અત્યાર સુધી એક હજારથી વધુ જવાન શહીદ
લેહ : લદ્દાખના સિયાચેન ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના સામે આવી હતી, જેમાં ભારતીય સૈન્યના ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે પાંચ જવાનો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે.
વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા સિયાચેનમાં -૬૦ ડિગ્રી તાપમાનમાં જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે. જેમને હિમસ્ખલનની આફતનો સામનો કરવો પડયો હતો. જે ત્રણ જવાનો શહીદ થયા છે તેમાં ગુજરાતના એક જવાનનો પણ સમાવેશ થાય છે.
ત્રણેય જવાનો મહાર રેજીમેંટ સાથે જોડાયેલા હતા, એક જવાન ગુજરાત જ્યારે બીજો ઉત્તર પ્રદેશ અને ત્રીજો ઝારખંડનો રહેવાસી છે. જ્યારે પાંચ જેટલા જવાનો હિમસ્ખલન બાદ ફસાઇ ગયા હતા જેમને રેસ્ક્યૂ કરવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરાયું હતું. સિયાચેનમાં ભુસ્ખલન કે હિમપ્રપાતની ઘટનાઓમાં અવાર નવાર જવાનો શહીદ થતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. જે ત્રણ જવાનો હાલ શહીદ થયા છે તેમાં બે અગ્નિવીરોનો પણ સમાવેશ થાય છે. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે એક કેપ્ટનને બચાવાયા છે.
પાકિસ્તાને સિયાચેન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો તે બાદ ૧૯૮૪માં ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન મેઘદૂત લોંચ કરાયું હતું, ત્યારથી આ વિસ્તારમાં ભારતીય જવાનો તૈનાત છે. અહીંયા તાપમાન માઇનસ ૬૦ ડિગ્રીથી પણ નીચે જાય છે. જોકે હાલ તાપમાન માઇનસ એક ડિગ્રીથી નીચે છે. લેહથી ગિલગિટ સુધી દુશ્મન દેશોની દરેક પળ પર નજર રાખવા માટે આ સ્થળ મહત્વનું માનવામાં આવે છે. ૧૯૮૪થી અત્યાર સુધી આ વિસ્તારમાં ભારતીય સૈન્યના એક હજારથી વધુ જવાનો શહીદ થઇ ચુક્યા છે. સિયાચેન પર બરફના મોટા પહાડ આવેલા છે જે હિમસ્ખલન થતા ગમે ત્યારે જવાનો પર પડવાની ભીતિ રહે છે.