ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી
- પાકિસ્તાન સાથે તંગદીલી વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય
- 1949માં સ્થપાયેલી પ્રાદેશિક સેનામાં 40 હજારથી વધુ જવાનો, યુદ્ધમાં મુખ્ય સેનાને સહાયક તરીકે મદદ કરશે
- સૈન્યવડા પ્રાદેશિક સેનાના તમામ અધિકારી-જવાનોને ગમે ત્યારે બોલાવી શકશે, ત્રણ વર્ષ સુધી આ છૂટ મળી
નવી દિલ્હી : સરહદે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, એવામાં ભારતીય સેનાના વડાને કેન્દ્ર સરકારે વધુ સત્તા સોંપી છે અને પ્રાદેશિક સેનાને બોલાવવાની છૂટ આપી દીધી છે. પ્રાદેશિક સેનામાં હાલ ૪૦ હજારથી વધુ જવાનો છે. જે યુદ્ધ થાય તો સેનાને મદદરૂપ થઇ શકશે. કેન્દ્ર સરકારે પ્રાદેશિક સેનાના અધિકારીઓથી લઇને તમામ કર્મચારીઓને સેનાની મદદ માટે બોલાવવાની સેનાના વડાને છૂટ આપી છે. આ પ્રાદેશિક આર્મીમાં ૩૨ બટાલિયન છે જેમાંથી ૧૪ને હાલ સક્રિય કરાઇ છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના સૈન્ય બાબતોના વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પડાયું હતું, જેમાં જણાવાયું છે કે સેનાના વડાને પ્રાદેશિક સેનાને બોલાવવાની છૂટ અપાઇ છે, ત્રણ વર્ષ સુધી આ આદેશ અમલમાં રહેશે. એટલે કે ફેબુ્રઆરી ૨૦૨૮ સુધી સેના આ પ્રાદેશિક સેનાની મદદ લઇ શકશે. પ્રાદેશિક સેનાને ટેરિટોરીઅલ આર્મી તરીકે ઓળખવામાં આવે છે. જેની સ્થાપના ૯ ઓક્ટોબર, ૧૯૪૯માં કરવામાં આવી હતી. ગયા વર્ષે જ આ પ્રાદેશિક સેનાએ ૭૫ વર્ષ પૂર્ણ કર્યા હતા.
આ પ્રાદેશિક સેનામાં સેના જેવી જ તાલિમ આપવામાં આવે છે, જે પણ લોકો આ પ્રાદેશિક સેનામાં સામેલ થાય છે તેઓ જ્યારે આ સેનાનો ઉપયોગ ના કરવાનો હોય ત્યારે આમ નાગરિકો જેવુ જ જીવન જીવતા હોય છે. જ્યારે યુદ્ધ થાય કે જરૂર પડે ત્યારે પાછા સેનાની કામગીરી સંભાળવા લાગી જાય છે. આ સેનાનો ઉપયોગ યુદ્ધ, આફતો કે અન્ય ઇમર્જન્સી જેવી સ્થિતિમાં દેશની મુખ્ય સેનાને મદદરૂપ થવામાં થાય છે. પ્રાદેશિક સેનાની સ્થાપનાનો ઉદ્દેશ્ય મુખ્ય સેનાની ક્ષમતા વધારવાનો છે. હાલમાં આ પ્રાદેશિક સેનાને પાક. સામેના ઓપરેશન સિંદૂર હેઠળ તૈયાર રહેવાનો આદેશ અપાયો છે, અગાઉ તેમનો ઉપયોગ પૂર, ભૂકંપ, ભુસ્ખલન જેવી સ્થિતિમાં થઇ ચુક્યો છે. આ સેનાની બટાલિયનો પર્યાવરણ સંરક્ષણનું કામ પણ કરે છે. મુખ્ય સેનાને હથિયારો સહિતનો સામાન લાવવા લઇ જવામાં કે દેખરેખ રાખવા, રેસ્ક્યૂ કરવામાં, ખાધ્ય સામગ્રીઓ પહોંચતી કરવામાં વગેરેમાં મદદરૂપ થઇ શકે છે.