પહેલા બાંગ્લાદેશ-શ્રીલંકા, હવે નેપાળ? ભારતના પડોશી દેશોમાં કેમ ડગમગી રહ્યું છે સત્તાનું સિંહાસન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Gen Z Protest : નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. દેશની સંસદ ભવનની દિવાલો કુદીને અંદર ઘૂસી ગયેલા યુવાનો, પોલીસ સાથેની અથડામણ, કર્ફ્યુ અને આગચંપીની ઘટનાઓ કોઈપણ લોકશાહી દેશ માટે ચેતવણી સમાન છે. આ ઘટના બાદ આ બળવો ક્યાંથી શરૂ થયો તે પ્રશ્ન ઊભો થયો છે. નેપાળમાં જે કંઈ બન્યું તે બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનની ઘટનાઓ જેવું દેખાઈ રહ્યું છે. આ તમામ દેશોમાં હિંસાનું કારણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સાથે જોડાયેલું હતું. નેપાળમાં પણ આ હિંસાનું મૂળ કારણ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ છે. સરકારે વિવિધ એપ્સો પર પ્રતિબંધ લગાવ્યા બાદ યુવાનો ગુસ્સે થયા છે અને જોતજોતામાં તેઓ રસ્તાઓ પર ઉતરી આવી હિંસા શરૂ કરી દીધી છે.
નેપાળમાં Gen-Zના રસ્તાઓ પર દેખાવો
નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
દેખાવોના અન્ય કારણો બેરોજગારી અને ભ્રષ્ટાચાર
આમ તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે દેખાવો શરૂ થયા હોવાનું કહેવાય છે. જોકે બીજીતરફ બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી જૂની સમસ્યાઓ પણ સામે આવી છે. યુવાનો સરકારને સીધો સવાલ કરી રહ્યા છે કે, જો અવાજ ઉઠાવવાના મંચો બંધ કરાશે, તો લોકશાહીનો અર્થ શું રહેશે? હવે આંદોલન માત્ર સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ સરકારને હટાવવાની માગણી સુધી પહોંચી ગયું છે. યુવાનો માને છે કે જે રીતે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સરકારો ઉથલાવી દેવામાં આવી, તેવી જ રીતે અહીં પણ તેઓ સરકાર બદલી શકે છે.
સંસદ પર હુમલો અને વ્યાપક હિંસા
કાઠમંડુમાં દેખાવકારો ભારે હિંસાત્મક બન્યા છે અને સુરક્ષા કોર્ડન તોડીને સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. તો પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ અને પાણીના મારો ચલાવીને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. પરિસ્થિતિ એટલી ભયાનક થઈ ગઈ છે કે, દેખાવકારો જ્યાં દેખાય ત્યાં ઠાર કરી દેવાનો આદેશ છૂટ્યો છે. જેમાં 14 લોકોનાં મોત થયા અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત દેખાવકારોએ 14 ઇમારતો અને 9 સરકારી વાહનોને સળગાવી નાખ્યા છે. રાજધાનીની સડકો જામ થઈ ગઈ અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
આ પણ વાંચો : નેપાળમાં શાળા-કોલેજમાં ભણતા યુવાનોએ કેમ કર્યો બળવો? શું માત્ર સોશિયલ મીડિયા જ જવાબદાર?
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનું સરકારનું કારણ
સરકારે કહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ નેપાળમાં ઓફિસ ખોલી નથી અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી, તેથી પ્રતિબંધ મુકાયો છે. જોકે દેખાવકારોને ઓલી સરકાર પર આ બહાનું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારનો અસલી ઈરાદો જનતાના અવાજને દબાવવાનો અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો છે. દેખાવકારો વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રાજીનામું માંગી રહ્યા છે.
દેખાવકારો કરી રહ્યા છે કે, સરકાર લોકશાહી કચડી રહી છ અને યુવાઓને શાંત પાડવા માટે ષડયંત્ર રચી રહી છે. બીજીતરફ વિપક્ષી દળોએ પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર નેપાળ પર ટકેલી છે. ભારત પણ સાવચેતીના ભાગરૂપે ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે.
સોશિયલ મીડિયાની અનેક કંપનીઓ પર ઉઠ્યા સવાલ
નેપાળની આ ઘટના બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થયેલા આંદોલનો જેવી માનવામાં આવી રહી છે. આ ત્રણેય કિસ્સાઓમાં સોશિયલ મીડિયાના કારણે જ યુવાઓ સંગઠિત થઈ શક્યા છે અને આંદોલનને ઝડપથી ફેલાવવામાં પણ સફળ થયા છે. સોશિયલ મીડિયા થકી લોકો અવાજ ઉઠાવી શક્યા છે અને સરમુખત્યારશાહી તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હથિયાર સાબિત થયું છે. જોકે આવા પ્લેટફોર્મથી ખોટી માહિતી અને અફવાઓ ફેલાઈ શકે છે, જેના કારણે પરિસ્થિતિ બગડી શકે છે. એટલું જ નહીં બહારની શક્તિઓ એટલે કે અન્ય દેશથી રાજકારણમાં દખલ ઉભું થઈ શકે છે. આવા કારણોથી સરકારોને રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મૂકવાની ફરજ પડે છે.









