Nepal Gen Z Protest : નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારને લઈને વ્યાપક આંદોલન ચાલી રહ્યું છે. હજારો યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો કેટલાક સંસદ પરિસરમાં પણ ઘૂસી ગયા છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજધાની કાઠમંડુના બાનેશ્વરમાં સેના તૈનાત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ સેનાએ ફાયરિંગ કરતાં પાંચ દેખાવકારોના મોત થયા છે, 35 લોકોને ગોળી વાગી છે, જ્યારે 80 ઈજાગ્રસ્ત થયા છે. તંત્રએ પરિસ્થિતિને જોતા દેખાવકારોને જ્યાં દેખાય ત્યાં ગોળી મારવાનો આદેશ આપ્યો છે. વિવિધ ઘટનાઓ બાદ દેશભરના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે.
કાઠમંડુમાં દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે પથ્થરમારો
કાઠમંડુમાં પણ ભયાનક તણાવનો માહોલ છે. અનેક જગ્યાઓ પર દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે પથ્થરમારો થયો છે. ઈજાગ્રસ્તોને તુરંત એવરેસ્ટ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ દેખાવકારો ભારે આક્રોશમાં છે અને તેઓ સરકારી પોસ્ટરો અને બેનરો તોડીને સરકારી ઑફિસો તરફ આગળ વધી રહ્યા છે. દેખાવકારોના ટોળાએ સંસદ પરિસરમાં ઘૂસીને ભારે હંગામો મચાવ્યો હતો. આ કારણે સુરક્ષા દળે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. રિપોર્ટ મુજબ વિરાટનગર, બુટવલ, ચિતવન, પોખરા સહિત અનેક શહેરોમાં હિંસા જેવી સ્થિતિ વણસી ગઈ છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
દેખાવકારો ભારે આક્રોશમાં આવતા અને સ્થિતિ વણસી જતાં સરકારે તુરંત કાર્યવાહી કરીને સોશિયલ મીડિયા બંધ કરી દીધું છે. સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ અને એક્સ (ટ્વિટર) સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સો પર પ્રતિબંધ લાદવાના કારણે યુવાઓની અભિવ્યક્તિને અસર થઈ છે. એટલું જ નહીં ઓફલાઈન શિક્ષણ, કારોબાર અને દૈનિક સંપર્ક કામગરીમાં અડચણો ઉભી થઈ છે. સરકારનું કહેવું છે કે, આ પ્લેટફોર્મો નેપાળમાં રજિસ્ટ્રેશન કરતા નથી. આ હિંસાઓ શરુ થવાનું કારણ માત્ર પ્લેટફોર્મ પર પ્રતિબંધ જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ફળતાના કારણે પણ યુવાઓ નારાજ થયા છે. દેશમાં સરકારી ફંડ અને નોકરીઓમાં પારદર્શિતાનો અભાવ, આર્થિક મંદીના કારણે નોકરીઓમાં અછત હોવાના કારણે પણ નારાજગી જોવા મળી રહી છે. આ જારણે ઝેન-ઝેડ યુવાઓ મોટાપ્રમાણમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર દેખાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો : નેપાળમાં Gen-Z આંદોલનમાં હિંસા: 20ના મોત, 100 ઈજાગ્રસ્ત; PMના રાજીનામાંની માંગણી
PM ચીન જેવું સેન્સરશીપ લાગુ કરવા ઇચ્છે છે
વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ દેશના લોકોને ચીનની જેમ મર્યાદિત ડિજિટલ આઝાદી આપી અને કડક પ્રતિબંધો લાદી દીધા છે. વડાપ્રધાન ઓલી સરકાર પર ચીન જેવી સેન્સરશીપ લાગુ કરવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજને દબાવવાનો આરોપ છે, જેના કારણે યુવાઓ રસ્તાઓ પર ઉતરવા મજબૂર થયા છે. આ પ્રદર્શનનું નેતૃત્વ મોટાભાગે કૉલેજના વિદ્યાર્થીઓ, યુવા કાર્યકર્તાઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ કરી રહ્યા છે. આ આંદોલન નેતા કે સંગઠન વગરનું સંપૂર્ણપણે સ્વયંભૂ છે. શરુઆતમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં દેખાવો કરવાની જાહેરાત કરાઈ હતી, જોકે પછી બેરિકેડ્સ તોડવાની ઘટના બન્યા બાદ મામલો બિચક્યો છે. આ પ્રદર્શનો કાઠમંડુ ઉપરાંત વિરાટનગર, બુટવલ, ચિતવન અને પોખરા જેવા અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયા છે, જ્યાં યુવાનો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.


