નેપાળમાં સત્તાપલટો... ઓલીનું શાસન ખતમ, હવે સેના સંભાળશે સત્તા, આર્મી વડાએ કરી જાહેરાત
Nepal Gen-Z Revolution : નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. સ્થિતિ બેકાબૂ થતા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. જો કે, વડાપ્રધાનના રાજીનામાં બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ દરમિયાન હવે સ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાએ દેશનું કમાન સંભાળવાની જાહેરાત કરી છે.
નેપાળમાં હવે સેનાની સરકાર!
નેપાળમાં હિંસક દેખાવોના પગલે કેપી શર્મા ઓલીના શાસનનું અંત આવ્યું છે. હવે દેશની કમાન સેના સંભાળશે. નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલ આ અંગે જાહેરાત કરી છે. આર્મી ચીફે દેશને સંબોધિત કરતી વખતે કહ્યું કે, ‘લૂંટફાટ, આગચંપી અને અન્ય હિંસક ગતિવિધિઓને તાત્કાલિક રોકવા માટે આજે (9 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યાથી સેના દરેક સુરક્ષા તંત્રને પોતાના હાથમાં લેશે.’
નેપાળમાં વિસ્ફોટક સ્થિતિ વચ્ચે સેનાએ વાતચીત માટે કરી હાકલ, બાલેન શાહે શરત મૂકી
નેપાળમાં નવી સરકારના ગઠનની તૈયારી
હિંસક દેખાવો વચ્ચે નેપાળમાં નવી સરકારના ગઠન માટે સેના પ્રમુખ અશોક રાજ સિગડેલ અને બાલેન શાહ સહિતના આંદોલનકારીઓના નેતઓ વચ્ચે નવી સરકારના ગઠન અંગે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સુશીલા કાર્કી નેપાળની સુપ્રીમ કોર્ટનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યાં છે.
નેપાળ સંસદ, રાષ્ટ્રપતિ નિવાસ અને સુપ્રીમ કોર્ટમાં આગચંપી
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર અને સુપ્રીમ કોર્ટમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.
નેપાળમાં Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PM બાદ રાષ્ટ્રપતિનું પણ રાજીનામું; સંસદમાં આગચંપી
કેમ ફેલાઇ હિંસા?
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.