નેપાળમાં વિસ્ફોટક સ્થિતિ વચ્ચે સેનાએ વાતચીત માટે કરી હાકલ, બાલેન શાહે શરત મૂકી
Nepal Gen-Z Revolution : નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. સ્થિતિ બેકાબૂ થતા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. જેને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ સ્વીકાર્યું હતું. જો કે, વડાપ્રધાનના રાજીનામાં બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી. આ દરમિયાન નેપાળના રાષ્ટ્રપતિએ આંદોલનકારીઓને શાતિંની અપીલ કરી હતી.
નેપાળના રાષ્ટ્રપતિની અપીલ
કેપી શર્મા ઓલીના રાજીનામાં બાદ પણ સ્થિતિ શાંત ન થતાં નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે અપીલ કરી છે કે, ‘પ્રદર્શનકારીઓની જે પણ માંગ છે, તેને વાતચીત અને ચર્ચા દ્વારા શાંતિથી ઉકેલી શકાય છે. બધા પક્ષોએ શાંતિ અને લોકશાહી માટે મળીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.’
આ પણ વાંચોઃ નેપાળના પૂર્વ વડાપ્રધાન ઝલનાથના ઘરમાં તોડફોડ બાદ આગચંપી, પત્નીનું જીવતા ભૂંજાતા મોત
નેપાળના સેના અધ્યક્ષનો શાંતિ માટે આહ્વાન
નેપાળના સેના અધ્યક્ષ અશોક રાજ સિગડેલે શાંતિ માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવાનો આહ્વાન કર્યો છે. એક વીડિયો મેસેજ દ્વારા તેમણે દેશને સંબોધિત કરતા કહ્યું કે, ‘હું આંદોલનકારી જૂથોને તેમના બધા આંદોલન કાર્યક્રમો સ્થગિત કરવા અને સ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે વાતચીત કરવાનો આહ્વાન કરું છું.’
આંદોનકારીઓના નેતાનો જવાબ
નેપાળના રાષ્ટ્રપતિ અને સેના અધ્યક્ષની અપીલ પર પ્રતિક્રિયા આપતા પ્રદર્શનકારીઓના નેતા અને કાઠમાંડૂના મેયર બાલેન શાહે કહ્યું છે કે, ‘જ્યાં સુધી સંસદ ભંગ નહીં થાય ત્યાં સુધી કોઇ વાતચીત નહીં કરે. પ્રદર્શનકારી યુવાનો નેપાળની સેના સાથે વાતચીત માટે તૈયાર રહે, પરંતુ સંસદ ભંગ થાય પછી જ ચર્ચા થશે.’
આ પણ વાંચોઃ VIDEOS: નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચંપી, ઠેર-ઠેર તોડફોડ અને હિંસા
નેપાળ સંસદ, રાષ્ટ્રપતિ નિવાસ અને સુપ્રીમ કોર્ટમાં આગચંપી
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર અને સુપ્રીમ કોર્ટમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.
કેમ ફેલાઇ હિંસા?
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.