નાસાના વિજ્ઞાનીઓએ ભારત પ્રવાસ રદ કરવો પડ્યો, જાણો સાયન્સ કોન્ફરન્સમાં હાજરી નહીં આપવાનું ચોંકાવનારું કારણ
NASA Cancel GLEX Summit Visit: દિલ્હીમાં ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025’ની (GLEX) શરુઆત થઈ છે. 7મેથી શરુ થયેલી આ ત્રણ દિવસીય સમિટનું આયોજન ભારતમાં પહેલીવાર થયું છે. ભારત માટે ગૌરવની ક્ષણ લઈને આવેલા આ કાર્યક્રમમાં જગતની સૌથી વિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા અમેરિકાની ‘નાસા’ના વિજ્ઞાનીઓની જ ગેરહાજરી હતી, જેનું સૌને આશ્ચર્ય થયું છે. નાસાના વિજ્ઞાનીઓ જે કારણસર ભારત નથી આવી શક્યા એ કારણ ઘણું ચોંકાવનારું છે.
કયા કારણસર નાસાના વૈજ્ઞાનિકો ગેરહાજર રહ્યા?
‘ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન’ અને ‘ઇસરો’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’(નાસા)ના પ્રતિનિધિઓની ગેરહાજરીથી બધાનું ધ્યાન ખેંચાયું છે. ઓછામાં ઓછા એક ડઝન નાસા અંતરિક્ષ યાત્રીઓ અને વિજ્ઞાનીઓ આ પરિષદમાં હાજરી આપે તેવી અપેક્ષા હતી. એમના ભારત ન આવવા માટે બજેટના અભાવનું કારણ અપાયું છે, જે પહેલી નજરે કોઈના માન્યામાં આવે એમ નથી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશની અવકાશ સંશોધન સંસ્થાને વળી નાણાંની તંગી કઈ રીતે નડી શકે, એવો પ્રશ્ન થઈ શકે છે.
ટ્રમ્પ સરકારની નીતિઓ અવરોધરૂપ બની
એવું જાણવામાં આવ્યું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના તમામ સરકારી ક્ષેત્રોમાં વહીવટી ખર્ચ ઘટાડવા માટે બજેટ કાપ મૂક્યો છે, એનો ભોગ નાસા પણ બની ગયું છે. યુએસ વહીવટી તંત્રે નાસાના બજેટમાં 24.3 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પની નીતિને લીધે મંગળ પરથી નમૂનાઓ લાવવાના મિશન સહિત નાસાના ઘણા મિશન રદ અથવા મુલતવી રાખવામાં આવ્યા છે. આ બજેટ કાપને કારણે જ નાસાની આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગીદારી પણ ઓછી થઈ ગઈ છે અને તેના પ્રતિનિધિઓ ભારત નથી આવી શક્યા.
ઈલોન મસ્કના લાભાર્થે નાસાને ડામ?
ટ્રમ્પને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક સાથે કેવી સારાસારી છે એ સૌને ખબર છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ટ્રમ્પે નાસાના ભંડોળમાં કાપ એટલા માટે મૂક્યો છે કે જેથી નાસાને ફાળે જતાં અવકાશ કરાર સ્પેસએક્સના એટલે કે મસ્કના ખાતામાં જાય! મસ્કનું આર્થિક હિત જાળવવા માટે જ ટ્રમ્પે નાસાનું બજેટ ઘટાડી દીધું હોવાની થિયરી વહેતી થઈ છે.
ભારત માટે ગૌરવની ક્ષણ
અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે નવીનતમ પ્રગતિ અને સહયોગની ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવેલી આ પરિષદમાં 35 દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. ચીન, જાપાન, કેનેડા અને યુરોપિયન યુનિયન એમ બધું મળીને 37 દેશોની મુખ્ય અંતરિક્ષ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, 1700થી વધુ પ્રતિનિધિઓ અને દસ અંતરિક્ષયાત્રી એમાં સહભાગી બન્યા છે. GLEXમાં આ વર્ષે ઇતિહાસમાં સૌથી વધુ ભાગીદારી જોવા મળી છે, જે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતના વધતા કદને દર્શાવે છે.
પરિષદમાં વિવિધ યોજનાઓ વિશે ચર્ચા
આ પરિષદમાં અંતરિક્ષ સંશોધનનું ભવિષ્ય, ચંદ્ર અને મંગળ મિશન અને ક્લાયમેટ ચેન્જના અભ્યાસમાં ટૅક્નોલૉજીનો ઉપયોગ જેવા વિષયો પર ચર્ચા થઈ રહી છે. ઇસરોના વિજ્ઞાનીઓએ ભારતના ગગનયાન મિશન અને આગામી ચંદ્રયાન-4 મિશન વિશે માહિતી શેર કરી. આ ઉપરાંત, સ્પેસએક્સ અને બ્લુ ઓરિજિન જેવી ખાનગી અવકાશ કંપનીઓના પ્રતિનિધિઓએ પણ તેમની યોજનાઓ રજૂ કરી હતી.