VIDEO: કસાબ અને ડેવિડ જેવા આતંકીઓએ જ્યાં લીધી ટ્રેનિંગ એ મરકઝે તૈયબા ઓપરેશન સિંદૂરમાં ધ્વસ્ત
Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેને પણ લશ્કરી કાર્યવાહીના દાયરામાં લાવ્યું હતું. સેનાએ મુરીદકેમાં મરકઝે તૈયબા કેમ્પનો ખાતમો કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં 26/11ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી.
ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે
અહેવાલો અનુસાર, ભારતીય હુમલા પછી પાકિસ્તાનમાંથી ઘણાં વીડિયો સામે આવ્યા. હવે પાકિસ્તાનના મુરિદકેથી એક નવો વીડિયો સામે આવ્યો છે. આ લેટેસ્ટ વીડિયો લશ્કરના મુખ્યાલય મરકઝે તૈયબાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમારતોની છત ધ્વસ્ત થઈ ગઈ છે. નોંધનીય છે કે, મરકઝ કેમ્પસમાં લશ્કરના આતંકવાદીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓની તાલીમ લેતા હતાં.
ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર
ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, 25 મિનિટના ઓપરેશનમાં 24 મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલા અંગે ભારતના લોકોમાં સંતોષ છે. આ ઉપરાંત ઘણાં બોલિવૂડ કલાકારોએ પણ ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો છે.