'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને લાહોર અને ઈસ્લામાબાદનું એરસ્પેસ બંધ કર્યું, અનેક ફ્લાઈટ રદ
Pakistan Airspace Closed for Commercial Flight: ભારતે બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરીને પહલગામ હુમલાનો બદલો લીધો. ભારતની કાર્યવાહીને કારણે પાકિસ્તાન સરકારે એક મોટું પગલું ભરતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.
લાહોર અને ઇસ્લામાબાદનું એરસ્પેસ બંધ
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ (PPA) બુધવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે દેશનું હવાઈ ક્ષેત્ર બંધ છે. જોકે કરાચી એરપોર્ટ કાર્યરત છે.'
ભારતીય હુમલા પછી 48 કલાક માટે હવાઈ ક્ષેત્ર બંધ
ભારતના હુમલા બાદ પાકિસ્તાને 48 કલાક માટે તમામ હવાઈ ટ્રાફિક માટે તેનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી હુમલા કરીને 90 જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
PPAએ ICAOને કરી ફરિયાદ
ભારતીય હુમલાઓ બાદ, પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી એ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ને ફરિયાદ કરી. પીપીએએ આઇસીએઓને જણાવ્યું હતું કે ભારતનું આ ઉશ્કેરણીજનક પગલું નાગરિક ઉડ્ડયન સલામતી માટે ખતરો છે.
આ પણ વાંચો: બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં કર્યો મોટો હુમલો, સૈન્ય વાહનને નિશાન બનાવતા 7ના મોત
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.