VIDEO : મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિંકતા હોસ્પિટલ નષ્ટ, 34 દર્દીના મોત, 80 ઈજાગ્રસ્ત

Myanmar Airstrike : મ્યાંમારમાં સત્તા પર રહેલી સૈન્ય સરકારે બળવાખોર સંગઠનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ પર બોંબમારો કર્યો છે, જેમાં હોસ્પિટલ નષ્ટ થવા ઉપરાંત 34 દર્દીઓના મોત અને 80 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
લડાકુ જેટે હોસ્પિટલ પર બોંબ ઝિંક્યો
આ ઘટના પશ્ચિમી રાજ્ય રખાઇનના મ્રાઉક-યૂ ટાઉનશિપ માં બુધવારે રાત્રે 9.13 કલાકે બની હતી. અહેવાલો મુજબ, એક લડાકુ જેટે બે બોમ્બ ઝીંક્યા હતા, જેમાંથી એક સીધો હોસ્પિટલના રિકવરી વોર્ડ પર પડ્યો હતો. આ વિસ્તાર પર મુખ્ય બળવાખોર સશસ્ત્ર સંગઠન અરાકાન આર્મીનું નિયંત્રણ છે.
રખાઇન રાજ્યમાં ગંભીર આરોગ્ય સંકટ
બચાવ સેવાના એક અધિકારીના જણાવ્યા મુજબ, બોમ્બ ધડાકાથી હોસ્પિટલની મોટા ભાગની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. મ્યાનમારમાં ગૃહયુદ્ધના કારણે મોટાભાગની હોસ્પિટલો બંધ થઈ ગઈ છે, તેથી હુમલાગ્રસ્ત બનેલી હોસ્પિટલ રખાઇનના લોકો માટે આરોગ્ય સેવાનો મુખ્ય સ્ત્રોત હતી.
હુમલા માટે સેના જવાબદાર
સત્તાવાર રીતે શાસન કરી રહેલી સૈન્ય સરકારે રખાઇનના આ વિસ્તારમાં કોઈપણ હુમલાની કોઈ જાહેરાત કે પુષ્ટિ કરી નથી. જોકે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ આ હુમલા માટે સેનાને જવાબદાર ઠેરવે છે.
અરાકાન આર્મી અને રાજકીય સ્થિતિ
અરાકાન આર્મી એ રખાઇન વંશીય લઘુમતી ચળવળની સૈન્ય શાખા છે, જે મ્યાંમારની કેન્દ્ર સરકારથી સ્વાયત્તતાની માંગ કરી રહી છે. આ સંગઠને નવેમ્બર-2023માં રખાઇનમાં આક્રમણ શરૂ કર્યું હતું અને 17 માંથી 14 ટાઉનશિપ પર કબજો કરી લીધો છે.

