પુતિને ઝેલેન્સ્કીને દેખાડી 'કયામત'ની રાહત એરપોર્ટ બંધ કરાવ્યાં : 287 યુક્રેની ડ્રોન ખત્મ કર્યાં

- રશિયા યુક્રેનને ઠંડીમાં મારવા માગે છે : રશિયાએ આખી રાત વિદ્યુત પ્લાંટ પર હુમલા કર્યા તેથી આગ લાગી
મોસ્કો : દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપની ધરતી પર ખેલાઈ રહેલું રશિયા યુક્રેન યુદ્ધ છેલ્લાં ૪ વર્ષથી ચાલી રહ્યું છે. આ સૌથી ઘાતક સંઘર્ષ દૂર કરવા યુરોપીય દેશો મથી રહ્યા છે. તેવામાં યુક્રેને તા. ૧૦-૧૧ની રાત્રે રશિયા ઉપર એક સાથે અનેક ડ્રોન રવાના કર્યાં, જે પૈકી ૩૨ તો મોસ્કોની નજીક સુધી પહોંચી ગયાં હતાં, પરંતુ પુતિને પહેલેથી જ મોસ્કોનાં ચારેચાર એરપોર્ટસ તેમજ ઉત્તરનું પેટ્રોગ્રાડ એરપોર્ટ પણ બંધ કરી રાખ્યું હતું. બીજી તરફ યુક્રેનનાં એકે એક ડ્રોનને રડારમાં પકડી મિસાઇલ હુમલાથી તોડી પાડયાં. આ રીતે કુલ ૨૮૭ ડ્રોન વિમાનોનો ખાતમો થઇ જતાં યુક્રેન માટે તો ૧૦-૧૧ની રાત કયામતની રાત બની રહી.
આ સંયોગોમાં શાંતિ મંત્રણા વિચારી શકાય તેમ પણ નથી. એસોસિયેટેડ ફ્રી પ્રેસ (એએફપી) જણાવે છે કે રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે ટેલીગ્રામ ઉપર જણાવ્યું હતું કે રશિયાએ તેનાં ચારે એરપોર્ટ તેમજ સેંટ પીટસબર્ગનું મુલ્કોવો એરપોર્ટ પહેલેથી જ બંધ રાખ્યાં હતાં.
આ ઉપરાંત યુક્રેનનાં વોલ્ટાવા ક્ષેત્રના મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે રશિયાએ આખી રાત તેના વિદ્યુત પ્લાંટ પર હુમલા કર્યા હતા. તેથી તેમાં આગ લાગી હતી. ગત સપ્તાહે એક ઇન્ટરવ્યુમાં યુક્રેનના સરકારી ગેસ ઓપરેટરે જણાવ્યું હતું કે ફેબુ્રઆરી ૨૦૨૨માં શરૂ થયેલાં આ યુદ્ધમાં યુક્રેન આ વર્ષે સૌથી કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. નેફ્ટોગાઝાના સીઈઓ, સર્ગી કોરેત્સ્કીએ કહ્યું હતું કે આ વર્ષે હુમલા વધુ તીવ્ર રહ્યા છે અને શિયાળો બેસતાં પૂર્વે રશિયન વાયુ સેનાએ યુક્રેનના ગેસ પ્લાંટ સહિત બધું ખેદાન મેદાન કરી નાખતાં હવે શિયાળામાં યુક્રેનવાસીઓ ઠંડીમાં ઠુંઠવાઈ મરે તેમ છે.
કેટલાક નિરીક્ષકો તો કહે છે કે રશિયાને શિક્ષા કરવા પશ્ચિમે યુક્રેનને ઉશ્કેર્યું. યુક્રેન માનતું હતું કે રશિયા જેવો હુમલો કરશો કે તુર્ત જ અમેરિકા સહિત પશ્ચિમના દેશો રશિયા ઉપર તૂટી પડશે. તેવું થયું નહીં. યુક્રેન અત્યારે તો બલિનો બકરો બની રહ્યું છે.

