અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 55,000થી વધુ કેસ, બ્રાઝિલનો રેકોર્ડ તોડયો
- કેનેડાની જીડીપીમાં એપ્રિલમાં 12 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો
- લંડનમાં પબ- રેસ્ટોરાં ખોલવાની શરૂઆત, દસ જુલાઇથી 50 દેશના એર ટ્રાવેલર્સો પણ યુકેમાં પ્રવેશી શકશે
વોશિંગ્ટન, તા. 3 જુલાઇ, 2020, શુક્રવાર
અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 55,000 કરતાં વધારે કેસો નોંધાતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ કટોક્ટીનો સામનો કેવી રીતે કરી રહ્યા છે તેની પર બધાની બારીક નજર નોંધાઇ છે.
19 જુને બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસો 54,771 નોંધાવાનો વિક્રમ હતો તે આજે અમેરિકાએ 54,879 કેસો નોંધી તોડી નાંખ્યો હતો. બીજી તરફ અમેરિકાના સંખ્યાબંધ ગવર્નર્સને પણ કોરોનાના કેસોની સંખ્યા વધવાને પગલે તેમના રાજ્યોમાં રિઓપનિંગને મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
પખવાડિયા અગાઉ અમેરિકામાં રોજ સરેરાશ 20,000 કેસો નવા નોંધાતા હતા. પરંતુ છેલ્લા સાત દિવસમાં રોજના સરેરાશ 40,000 કરતાં વધારે કેસો નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તો અમેરિકામાં રોજ નવા કેસ નોંધાવાના નવા વિક્રમો બની રહ્યા છે. ફલોરિડામાં એક જ દિવસમાં કોરોનાના 10,000 કરતાં નવા કેસો નોંધાયા હતા.
અમેરિકાના 50માંથી 37 રાજ્યોમાં જુનના પહેલાં પખવાડિયા કરતાં બીજા પખવાડિયામાં કોરોનાના નવા કેસો નોંધાવાની સંખ્યા વધી હતી. યુરોપિયન દેશોમાં મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે નોંધાયેલા કેસો કરતાં પણ અમેરિકામાં હાલ કોરોનાના વધારે કેસો નોંધાઇ રહ્યા હોવાનું એક વિશ્લેષણમાં જણાયું હતું. અમેરિકાની
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શીયસ ડિસીઝના વડા ડો. એન્થોની ફાઉસીએ સપ્તાહના આરંભે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્તરે નવા કેસોના દરને ઘટાડવા માટે પગલાં લેવામાં નહીં આવે તો નવા કેસોનો દૈનિક દર એક લાખ કેસોએ પહોંચી શકે છે.
બીજી તરફ કેનેડામાં એપ્રિલ મહિનામાં તેની ઇકોનોમી ઐતિહાસિક સ્તરે સંકોચાઇ હતી. મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે લગભગ 12 ટકાનો જીડીપીમાં ઘટાડો થયો હોવાનું સ્ટેટકેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેનેડિયન ઇકોનોમીના તમામ 20 ઔદ્યોગિક સેક્ટરમાં મંદીમાં સપડાતાં 1961માં શરૂ થયેલાં માસિક સરવૈયામાં આ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
બીજી તરફ યુકેમાં શનિવારે સવારે રેસ્ટોરાં અને પબ ફરી ખૂલશે ત્યારે લોકો નવા વર્ષની ર્પૂ્વસંધ્યા જેવી તોફાન મસ્તીએ ચડે તો તેમને અંકુશમાં લેવા વધારે પોલીસ તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમુક લોકોને નજીકના ભવિષ્યમાં કોરોનાનું બીજું મોજું આવવાનો ડર પણ સતાવી રહ્યો છે.
ઇન્ગ્લેન્ડમાં હવે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન અને જર્મની સહિત 50 દેશોના નાગરિકોને ક્વોરન્ટાઇન વિના જ દસ જુલાઇથી પ્રવેશી શકશે. પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ બાબતે ત્રણ પ્રકારના લેબલ ધરાવતી 50 દેશોની યાદી બહાર પાડવામાં આવશે. જેમાં સૌથી વધારે જોખમ ધરાવતાં દેશ લાલ લેબલ ધરાવતા હશે તે પછી પીળાં રંગનું અને છેલ્લે લીલા રંગના લેબલ ધરાવતાં દેશો હશે. અમેરિકા લાલ લેબલ ધરાવતાં દેશોની યાદીમાં છે તો જર્મની, ઇટાલી, ફ્રાન્સ અને સ્પેન લીલા લેબલની યાદીમાં છે.
દરમ્યાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે કોરોના મહામારી સામે એકદમ સતર્ક રહેવાની તેમના અધિકારીઓને સૂચના આપી હતી. કિમ જોંગે ચેતવણી આપવા સાથે ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ કેસ ન હોવાની પણ જાહેરાત કરી હતી.
કોરોના વાઇરસ ધરાવતાં ટીપાં હવામાં આઠથી તેર ફૂટ સુધી તરે છે, માસ્ક પહેરો
બેન્ગાલુરૂની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સના વિજ્ઞાાનીઓએ કરેલાં સંશોધન અનુસાર કોરોના વાઇરસ ધરાવતાં કફની ટીપાં હવામાં નાશ પામતાં પહેલાં આઠથી તેર ફૂટ તરે છે. આ બાબત તેમના મેથેમેટિકલ મોડલમાં જણાઇ હતી.
આ સંશોધન જર્નલ ફિઝિક્સ ઓફ ફલુઇડમાં પ્રકાશિત થયું છે. સંશોધકોએ ડિઝાઇન કરેલા આ મેથેમેટિકલ મોડેલમાં તંદુરસ્ત વ્યકિતને આ ટીપાં કેવી રીતે ચેપ લગાડે છે તે સમજવા માટે ટીપાના એરોડાયનેમિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કેનેડા અને અમેરિકાના સંશોધકો પણ આ સંશોધનમાં સામેલ થયા હતા.
અમેરિકાના કેલિફોનયા યુનિવસટીના અભિષેક સાહાએ જણાવ્યું હતું કે હવા તથા અન્ય અસર કરે તેવા પરિબળોની ગેરહાજરીમાં આ ટીંપા આઠથી તેર ફૂટ હવામાં તરે છે. આમ સોશ્યલ ડિસ્ટન્સિંગ છ ફૂટ કરતાં વધારે જ હોવું જોઇએ. તથા આ ટીંપાનું કદ 18થી 50 માઇક્રોનનું હોવાથી તેની સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવો પણ એટલો જ જરૂરી છે.