Iran Violence : ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈરાન સરકારના એક ઉચ્ચ અધિકારીએ રવિવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ હિંસામાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં અંદાજે 500 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. સરકારે આ કાયદાકીય અરાજકતા માટે આતંકવાદીઓ અને હથિયારબદ્ધ ઉપદ્રવી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે.
કુર્દ બહુલ વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન
સુરક્ષાના કારણોસર ગુપ્તતા રાખતા અધિકારીએ જણાવ્યું કે સૌથી ભયાનક હિંસા ઉત્તર-પશ્ચિમ ઈરાનના કુર્દ બહુલ વિસ્તારોમાં જોવા મળી હતી. આ વિસ્તારમાં કુર્દ અલગતાવાદી સંગઠનો સક્રિય હોવાથી અહીં અથડામણો સૌથી વધુ લોહિયાળ રહી હતી. સરકારનો દાવો છે કે દેખાવકારોને ઈઝરાયેલ અને અન્ય વિદેશી શક્તિઓ દ્વારા હથિયારો અને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું.
24,000થી વધુ લોકોની ધરપકડ
બીજી તરફ, અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન HRANAએ આંકડાઓમાં તફાવત દર્શાવતા કહ્યું છે કે તેમના મતે 3,308 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 4,382 કેસની તપાસ હજુ ચાલુ છે. સંગઠનનો દાવો છે કે પ્રદર્શનો દરમિયાન 24,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાન સરકાર વારંવાર પોતાની આંતરિક અશાંતિ માટે ઈઝરાયેલ જેવા કટ્ટર દુશ્મનો પર દોષારોપણ કરતી રહી છે.
આ પણ વાંચો : ટ્રમ્પના પીટર નવારોનો ફરી ‘લવારો’, ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું, જાણો શું કહ્યું
250 મસ્જિદો અને 20 ધાર્મિક કેન્દ્રોને નુકસાન
આ હિંસામાં થયેલા આર્થિક નુકસાનના આંકડા પણ ભયાનક છે. 19 દિવસ ચાલેલા આ તોફાનોમાં ઈરાનના 30 પ્રાંતોમાં 250 મસ્જિદો અને 20 ધાર્મિક કેન્દ્રોને નુકસાન થયું છે. આ ઉપરાંત 182 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના સાધનો સળગાવી દેવાતા અંદાજે 5.3 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. બેંકિંગ ક્ષેત્રમાં પણ મોટી તબાહી મચી છે, જેમાં 317 બેંક શાખાઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને 4700 જેટલી બેંકોને અંશતઃ નુકસાન પહોંચ્યું છે.
265 શાળાઓમાં તોડફોડ
માળખાગત સુવિધાઓની સાથે શિક્ષણ અને સંસ્કૃતિ પર પણ હુમલા થયા છે. 265 શાળાઓ, ત્રણ મોટી લાયબ્રેરી અને આઠ સાંસ્કૃતિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી છે. વીજળી ક્ષેત્રે પણ 6.6 મિલિયન ડોલરની સંપત્તિ તબાહ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હાલ ઈરાનમાં સ્થિતિ શાંત હોવાનું કહેવાય છે, પરંતુ હિંસાના આ 19 દિવસોએ દેશને આર્થિક અને સામાજિક રીતે મોટો ફટકો માર્યો છે.


