Peter Navarro's Statement Against India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે સંબંધો બગાડીને 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. હાલ અમેરિકા-ભારત વચ્ચે વેપાર સમજૂતી કરવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેમાં વારંવાર અવરોધો ઉભી થઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ટ્રમ્પના સીનિયર બિઝનેસ એડવાઈઝર પીટર નવારોએ ફરી ભારત પર આકરા પ્રહારો કરીને લવારી કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, અમેરિકાના લોકો ભારતમાં AI સેવાઓ માટે નાણાં કેમ આપી રહ્યા છે? નવારોએ ભારત-રશિયા તેલ આયાત તથા વેપાર નીતિઓની પણ ટીકા કરી છે.
અમેરિકનોએ AI માટે ભારતને નાણાં ન આપવા જોઈએ : નવારો
પીટર નવારોએ પૂર્વ વ્હાઈટ હાઉસના મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનન સાથે એક ઈન્ટરવ્યૂહમાં કહ્યું કે, ‘અમેરિકનો AI માટે નાણાં કેમ આપી રહ્યા છે? અમેરિકાથી ધરતી પરથી ChatGPT ચાલી રહ્યું છે અને અમેરિકન વીજળીનો ઉપયોગ કરે છે તેમજ ભારત, ચીન અને વિશ્વભરના મોટા યુઝર્સને સેવા આપે છે.’
ભારત ટેરિફનો મહારાજા : નવારો
નવારોએ ભારતને ‘ટેરિફનો મહારાજા’ ગણાવી દાવો કર્યો છે કે, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદનારો મુખ્ય દેશ છે. તેમણે ફરી જૂનો મુદ્દો ઉખેડીને કહ્યું કે, ભારત રશિયા પાસેથી તેલની આયાત કરી ‘લોહીનો પૈસો’ કમાવી રહ્યો છે અને તેઓ રશિયાના યુક્રેન વિરુદ્ધના યુદ્ધ મિશનને ફંડિંગ કરી રહ્યાં છે. એટલું જ નહીં તેમણે ભારતને ક્રેમલિનનો લૉન્ડ્રોમૈટ કહ્યું અને યુક્રેન યુદ્ધને મોદી યુદ્ધ ગણાવ્યું હતું.
આ પણ વાંચો : વધુ એક દેશ પર અમેરિકાનો હવાઈ હુમલો, અલ-કાયદાના આતંકવાદીને ઠાર માર્યો
ટ્રમ્પે સંબંધો બગાડ્યા, ભારત પર ઝિંક્યો 50 ટકા ટેરિફ
નવારોનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ટ્રમ્પ તંત્રએ ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરતું હોવાના કારણે અમેરિકાને વાંધો પડ્યો છે, જેના કારણે તેણે આ ટેરિફ ઝિંક્યો છે. ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી કરવા માટે ચાલી રહેલી વાતચીત પણ અટકી પડી છે. ભારત રશિયા પાસેથી રાહત દરેથી તેલ ખરીદી રહ્યું છે. ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી 2019-2020માં 1.7 ટકાથી વધીને 2024-2025માં 35 ટકા પર પહોંચી ગઈ છે. ભારતે પણ સ્પષ્ટ કહ્યું છે કે, બંને દેશો વચ્ચે તેલ ખરીદી ઊર્જા સુરક્ષાનો મામલો છે અને આમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનું ઉલ્લંઘન થયું નથી.
ભારતે પણ નવારોને આપ્યો જવાબ
ભારતે નવારોના નિવેદન મામલે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે તેમની ટિપ્પણીઓને અસ્વીકાર્ય અને ખોટી માહિતી ફેલાવતી ગણાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, આવા નિવેદનના કારણે પરસ્પરના સન્માનને નબળો પાડે છે અને બંને દેશોના સંબંધોને પણ અસર કરે છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે, અમે ઊર્જા સુરક્ષા માટે રશિયા પાસેથી તેલની ખરીદીએ છીએ અને તે કાયદેસર છે.
આ પણ વાંચો : પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને ફાયદો, યુરોપિયન યુનિયને અમેરિકાને આપી ચેતવણી


