US-Greenland Issue: ગ્રીનલેન્ડની ગડમથલ નાટો દેશો માટે અગ્નિ પરીક્ષા સમાન છે. કારણ કે નાટો જૂથના દેશ પર અમેરિકા સભ્ય હોવા છતાં મેલી નજર નાખી રહ્યું છે. હંમેશા અમેરિકાની પડખે ઊભા રહેતા યુરોપ દેશોના કડક વલણથી ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયા પણ સ્તબ્ધ છે. જબરદસ્ત કૂટનીતિએ ફરી સાબિત કરી દીધું છે કે વૈશ્વિક રાજનીતિમાં યુરોપનો સામૂહિક અવાજનો દબદબો હજુ પણ યથવાત છે. અમેરિકા જેવા દેશોને પણ વિચારવા મજબૂર થવું પડ્યું છે.
ટ્રમ્પે નમતું જોખ્યું કે વ્યૂહનીતિ?
વેનેઝુએલામાં સ્થિતિ ડામાડોળ કર્યા બાદ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવો અમેરિકા માટે નાની વાત છે તેવું કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને લાગતું હતું. પણ વોશિંગ્ટન જ્યારે આક્રમણના મૂડમાં આવ્યું ત્યારે યુરોપિયન દેશોએ એક સૂરમાં કડક વિરોધ નોંધાવ્યો જેથી જગત જમાદાર કહેવાતા અમેરિકાને પણ પાછી પાની કરવી પડી. શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ મુદ્દે નમતું જોખ્યું છે કે પછી કોઈ વ્યૂહનીતિનો હિસ્સો છે.
યુરોપીય દેશોની સંપ્રભુતા કામ કરી ગઈ?
હાલના ઘટનાક્રમ પર નજર કરીએ તો ગ્રીનલેન્ડને લઈને અમેરિકાએ સૈન્ય અને વ્યૂહનૈતિક ગતિવિધઓ ખૂબ જ તેજ કરી દીધી હતી. એક તરફ ટ્રમ્પ સરકાર પોતાના પ્રભાવને વધુ મજબૂત કરવામાં માંગે છે. કેમ કે રશિયા અને ચીન જેવા તાકાતવર દેશોનું પ્રભુત્વ આર્કટિકમાં વધી રહ્યું છે. ગ્રીનલેન્ડ તેનું મુખ્ય કેન્દ્ર હોવાથી અમેરિકા તેને નિયંત્રણમાં લઈ દબદબો દાખવવા માંગે છે. પણ અમેરિકાનું આ વલણ યુરોપના દેશોને પસંદ પડ્યું નહીં, કેમ કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનું સ્વાયત ક્ષેત્ર છે એટલા માટે જ આ મુદ્દો સીધો યુરોપીય દેશોની સંપ્રભુતા સાથે જોડાઈ ગયો.
અમેરિકાને રોકડું પરખાવ્યું
બ્રિટન, જર્મની, ફ્રાંસ અને અન્ય યુરોપિયન દેશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગ્રીનલેન્ડ પર એક તરફી કાર્યવાહી સ્વીકાર્ય નહીં હોય, નાટોનો સભ્ય દેશો હોવા છતાં યુરોપના દેશોએ અમેરિકાને રોકડું પરખાવ્યું કે સુરક્ષાના નામે ક્ષેત્રીય સંતુલન સાથે કોઈ પણ ચેનચાળા નહીં ચાલે, યુરોપીય નેતાઓનો તર્ક છે કે આ પહેલ આર્કટિક ક્ષેત્રમાં તણાવ વધારી શકે છે અને સ્થાનિક નાગરિકોની ઈચ્છાઓની અવગણના થશે. મહત્વનું છે કે જર્મનીએ તો તેના કેટલાક સૈનિકોની ટુકડીઓ પણ ગ્રીનલેન્ડમાં ઉતારી દીધી છે, જો કે તેની સંખ્યા મોટી નથી પણ સંદેશ મોટો છે.
વેઇટ એન્ડ વોચ..
અમેરિકા કે જોયું કે યુરોપનો આ વિરોધ માત્ર કૂટનૈતિક નથી નાટો અને યુરોપિયન દેશો પણ અમેરિકા સામે લડી લેવાના મૂડ છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પ સમજી ગયા કે બાજી ઉંઘી પડી શકે છે. કારણ કે અમેરિકા પણ જાણે છે કે જો યુરોપિયન દેશો નારાજ થશે તો તેની અસર માત્ર ગ્રીનલેન્ડ સુધી સીમિત નહીં રહે, પણ યુક્રેન અને મધ્ય પૂર્વ તેમજ એશિયા સાથે જોડાયેલા અમેરિકાના મુદ્દાઓને પણ નબળા પાડશે. આ જ કારણે અમેરિકાએ હાલ ગ્રીનલેન્ડના મુદ્દાને વેઇટ એન્ડ વોચ શ્રેણીમાં મૂકી દીધો છે.
શું સરળ રીતે માની જશે ટ્રમ્પ?
અમેરિકા હંમેશા સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરીને કાઢે છે! તો શું યુરોપિયન દેશોના વિરોધ બાદ અમેરિકા ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું વલણ બદલી નાંખશે? ના, સ્થિતિને ભાંખી ગયેલા ટ્રમ્પ વાતચીતના મુદ્દે સમાધાન કરવા માંગે છે, આ માટે વિશેષ દૂતને માર્ચમાં ગ્રીનલેન્ડ જવા કહ્યું છે. જે ડેનમાર્ક અને નાટો સાથે વાત કરી સમાધાનના રસ્તો શોધશે. તેવા માર્ચ સુધી આ મામલો હવે પેન્ડિંગમાં છે તેવું લાગી રહ્યું છે
ટ્રમ્પની બેધારી તલવાર
જો કે યુરોપિયન દેશોને પણ ટ્રમ્પે ટેરિફ દ્વારા સંદેશો આપ્યો છે કે, જે દેશો ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ કરશે તેવા 8 યુરોપના દેશો પર 1 ફેબ્રુઆરીથી 10 ટકા વધુ ટેરિફ લાગશે જે આવનાર જૂન મહિનામાં 25 ટકા થઈ જશે. બીજી તરફ ટ્રમ્પની આ નીતિ ગ્રીનલેન્ડ અમેરિકાના એજન્ડામાંથી બહાર નથી ગયું તેવું પણ સૂચવે છે.


