World

ઇરાનમાં અમેરિકા સામે શસ્ત્રો સાથે લાખો લોકોની રેલી

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
ઇરાનમાં અમેરિકા-ઇઝરાયેલના હુમલા બાદ લાખો નાગરિકો રસ્તા પર ઉતર્યા. સરકાર દ્વારા આયોજિત "પ્રતિકાર રેલી"માં 6 લાખ લોકોએ નોંધણી કરાવી. લોકોએ હાથમાં બંદૂકો-રાઇફલો લઈને ટ્રમ્પ-નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઇરાન 10 લાખ નાગરિકોને હથિયારોની તાલીમ આપશે, જે અમેરિકાને ખુલ્લો પડકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાનમાં અમેરિકા સામે શસ્ત્રો સાથે લાખો લોકોની રેલી

કૈરો : અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે આ વર્ષે ફેબુ્રઆરીમાં ઇરાન પર હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ પ્રથમ વખત ઇરાનના નાગરિકો દ્વારા સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઇરાનમાં લાખો નાગરિકો રસ્તા પર ઉતર્યા છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ઇઝરાયેલના પ્રમુખ નેતન્યાહુની વિરુદ્ધમાં ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. શુક્રવારની આ વિશાળ રેલીનું આયોજન ઇરાન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

તહેરાનના ગાર્ડ ચીફ જનરલ હસન હસનઝાહેદે મીડિયા સાથે વાતચીતમાં કહ્યંુ હતું કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે છ લાખ લોકોએ સામે ચાલીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મહિલાઓ, યુવા વયના પુરુષો તેમજ વૃદ્ધો તમામ લોકોએ હાથમાં બંદુકો, રાઇફલો લઇને ઇરાનના રસ્તા પર સ્વરક્ષણ માટે રેલી કાઢી હતી. જેનું આયોજન ખુદ ઇરાન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, સરકારે તેને પ્રતિકાર રેલી નામ આપ્યું છે. જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે હથિયાર ઉઠાવીશું તેવા નાગરિકોએ શપથ પણ લીધા હતા.
તાજેતરમાં હોર્મુઝ ખાડીમાં ભારે તંગદીલી છે, અમેરિકા ઇરાનનુ કોઇ જહાજ પસાર નથી થવા દઇ રહ્યું, જેને પગલે ઇરાનની આર્થિક સ્થિતિ પાયમાલ થઇ રહી છે, એવા સમયે ઇરાને એક રીતે અમેરિકાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. એટલુ જ નહીં ઇઝરાયેલની જેમ ઇરાન પણ પોતાના નાગરિકોને હથિયારોની તાલીમ આપી રહ્યું છે. આ તાલિમ માટે હજારો લોકોની નોંધણી પણ કરવામાં આવી છે. જે પણ નાગરિકોને હથિયારો, સુરક્ષાની તાલિમ આપવામાં આવી રહી છે તેમને એક હોદ્દો પણ આપવામાં આવી રહ્યો છે.
આવા આશરે દસ લાખ લોકોને ઇરાન હથિયારો સહિતની તાલિમ આપવા જઇ રહ્યું છે.
ઇરાન દ્વારા હોર્મુઝમાં હુમલા વધારી દેવામાં આવ્યા છે, સાથે જ કહ્યું છે કે હોર્મુઝ ખાડીમાંથી અમારી મંજૂરી વગર કોઇ પણ જહાજ પસાર નહીં થવા દઇએ, હોર્મુઝ ખાડીમાં અમે આવા જ એક ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો કર્યો હતો. જેને કારણે આ ઓઇલ ટેન્કર હાલ હોર્મુઝમાં ફસાયું છે. જ્યારે યુકીએમટીઓએ ઓઇલ ટેન્કર પર હુમલાની ખાતરી કરી હતી. અમેરિકા દ્વારા પોતાના કટ્ટર દુશ્મન ઇરાનના અધિકારીઓ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે વિઝાને મંજૂરી આપવામાં આવી છે.