AI માટે માઈક્રોસોફ્ટ 'હાર્ડ' : 60 હજારને કાઢી મૂકશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારત સહિત ચાર દેશોમાં માઈક્રોસોફ્ટની એક જ વર્ષમાં બીજી મોટી છટણી
- કંપનીએ ઓફર સ્વિકારી બે મહિનામાં નોકરી છોડનારા કર્મચારીઓને આર્થિક મદદ, નવી નોકરી-કારકિર્દીમાં માર્ગદર્શન સહિતના લાભ જાહેર કર્યા
- માઈક્રોસોફ્ટની એઆઈ અને ક્લાઉડ ટેક્નોલોજીમાં અબજો ડોલરના રોકાણ, કારોબારના પુનર્ગઠનની યોજના
સાનફ્રાન્સિસ્કો : અમેરિકાની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટે એઆઈ અને ક્લાઉડ ટેક્નોલોજીમાં અબજો ડોલરનો ખર્ચ કરવા અને તેના કારોબારને પુનર્ગઠીત કરવા માટે યોજના બનાવી છે, જેના ભાગરૂપે કંપનીએ ભારત, બ્રિટન, કેનેડા, અમેરિકામાં પસંદગીના ૬૦ હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દેવા જણાવ્યું છે. કંપનીએ એક વર્ષમાં બીજી વખત છટણી પ્રક્રિયા હાથ ધરતા કર્મચારીઓ માટે બાયઆઉટ પેકેજની ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ ડિસેમ્બર સુધીમાં સ્વૈચ્છિક રીતે નોકરી છોડનારા કર્મચારીઓ માટે કંપનીએ પોતાનું સ્ટાર્ટઅપ ખોલવા અથવા અન્ય જગ્યાએ નોકરી શોધવા સહિતની આર્થિક મદદ કરવા તૈયારી દર્શાવી છે.
માઈક્રોસોફ્ટનાં કાર્યકારી વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ પીપલ ઓફિસર એમી કોલમેને સોમવારે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે વોલન્ટરી એક્ઝિટ ઓફર (વીઈઓ) યોજનામાં કંપનીની પસંદગીની ટીમોના એવા કર્મચારીઓનો સમાવેશ કરાશે જેમનો આંતરિક જોબ ગ્રેડ ૭૦ અથવા તેનાથી નીચે છે, જેમાં જનરલ મેનેજરો અને વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ધરાવતા કેટલાક કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમાં કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટનો સમાવેશ થતો નથી.
કંપનીના અંદાજે ૨.૨૩ લાખ કર્મચારીઓમાંથી ચોથા ભાગના કર્મચારીઓને સ્વૈચ્છિક છટણી પ્રક્રિયામાં આવરી લેવાયા છે. ભારતમાં કંપનીમાં લગભગ ૨૩,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. જોકે, કેટલા કર્મચારીઓની છટણી થશે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
કંપનીએ આ વર્ષે અગાઉ કરેલી છટણી પ્રક્રિયામાં રિટાયરમેન્ટ બાયઆઉટની ઓફર કરી હતી. તેનાથી વિપરિત આ વખતે છટણી માટે પસંદ કરવામાં આવેલા કર્મચારીઓની વય, કામના વર્ષો કે પરફોર્મન્સ જેવી કોઈ બાબતોને ધ્યાનમાં લેવાઈ નથી. કંપનીના મેમો મુજબ છટણી માટે પાત્ર થનારા કર્મચારીઓને વ્યક્તિગત ધોરણે ઈમેલ મોકલવામાં આવ્યા છે. તેમણે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં નિર્ણય કરવાનો છે કે તેઓ વર્ષના અંત સુધીમાં નોકરી છોડશે કે નહીં. આ ઓફરનો ઈનકાર કરનારા કર્મચારીઓ આગામી સમયમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. કારણ કે કંપની આગામી સમયમાં એઆઈ અને ક્લાઉડ ટેક્નોલોજીમાં અબજો કરોડ ડોલરનું રોકાણ કરવા માટે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
એમી કોલમેને લખ્યું છે કે બાયઆઉટ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને નોકરીના પ્રત્યેક વર્ષના એક મહિનાના મૂળ પગાર જેટલી રકમ, સ્વાસ્થ્ય વીમો, નવી નોકરી અથવા કારકિર્દીમાં ફેરફાર માટે સહાયતા અથવા માર્ગદર્શન તેમજ પોતાના સ્ટાર્ટઅપ ખોલવા માટે પણ આર્થિક મદદ કરાશે. કોલમેને કહ્યું કે, આ યોજના મર્યાદિત સમય માટે છે. તેનાથી કર્મચારીઓને કંપનીની બહાર વધુ સારી તકો શોધી શકશે.
માઈક્રોસોફ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ યોજના દરેક દેશમાં તેના દરેક વિભાગોમાં એક સમાન નથી. તેમાં જોડાવું કે ન જોડાવું એ સંબંધિત કારોબારની પ્રાથમિક્તા, ગ્રાહકો સાથે કરાયેલી કટિબદ્ધતા અને કર્મચારીઓની જરૂરિયાત પર નિર્ભર કરશે. વધુમાં આ ઓફર કર્મચારીની વરિષ્ટતા, દેશ, સ્થળ અને સર્વિસ મુજબ અલગ અલગ હોઈ શકે છે. વધુમાં માઈક્રોસોફ્ટે નવી વોલન્ટરી એક્ઝિટ ઓફરમાં ભવિષ્યમાં નોકરીમાં કાપની સંભાવનાઓનો પણ ઈનકાર નથી કર્યો.
અમેરિકન કંપનીની ભારતમાં અનોખી છટણી
લેપટોપ બંધ તો નોકરી ખતમ ઇનનોડેટાએ ૫૫૦ને કાઢ્યા
કર્મચારીઓને સિસ્ટમનું એક્સેસ જ બંધ કરી દેવાયું અને નોકરી પૂરી કરી દેવાઈ
નવી દિલ્હી : ઇનનોડેટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં કામ કરતાં લગભગ ૫૫૦ કર્મચારીઓની નોકરી કોઈપણ પ્રકારની પૂર્વસૂચના વગર જ ખતમ કરી દીધી હતી. આ કંપની અમેરિકન કંપનીની ભારત ખાતેની પેટા કંપની છે.
કંપનીના ભારતના કર્મચારી રોજની જેમ ઓફિસ ગયા, ડેસ્ક પર પહોંચ્યા પછી લેપટોપ ખોલ્યું, સિસ્ટમમાં લોગ ઇન કર્યુ અને રોજની જેમ એટેન્ડન્સ લગાવી. હવે જે થયું તે આના પછી થયું. તેનાથી કર્મચારીઓના હોશ ઉડી ગયા. થોડા જ કલાકોમાં લેપટોપ પોતે જ લોગઆઉટ થઈ ગયું.ઓફિસિયલ આઇડી બંધ થઈ ગઈ. આ રીતે નોકરી કોઈપણ પ્રકારની વાતચીત વગર ખતમ થઈ ગઈ. આ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી, સોમવારે ઇનનોડેટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ સાથે આવું જ થયું. અહીં કોઈપણ પ્રકારની પૂર્વસૂચના, ચેતવણી અને કોઈ મીટિંગ વગર કર્મચારીઓને સિસ્ટમનું ેએક્સેસ કાપી નાખવામાં આવ્યું. પર્સનલ ઇ-મેઇલ પર ટર્મિનેશન મેઇલ આવી ગયો. કર્મચારીઓનું કહેવું છે દિવસનો પ્રારંભ બિલકુલ સામાન્ય હતો. બધાએ સમયસર લોગ-ઇન કર્યુ. એટેન્ડન્સ રેકોર્ડ કરી કામ શરૂ કર્યુ. બપોર સુધી કામનું દબાણ હતું. કોઈને લાગતું પણ ન હતું કે છટણી થવાની છે. પરંતુ લંચની આસપાસ સ્થિતિ બદલવા લાગી. કેટલાક લોકોને ધીમે-ધીમે સિસ્ટમનું એક્સેસ બંધ થવા લાગ્યું. તેના પછી સમાચાર મળ્યા કે ફિલિપાઇન્સની ટીમને ઝૂમ કોલ દરમિયાન જ કાઢવામાં આવ્યા છે. તે ટીમમાં રેટર્સ ક્વોલિટી એક્સ્પર્ટ્સ, ટીમ લીડ્સ અને ઓપરેશનલ મેનેજર સામેલ હતા. ભારતમાં કામ કરતાં કર્મચારીઓએ જ્યારે આ સાંભળ્યું તો તેઓ ગભરાઈ ગયા.તેમણે તરત જ કંપનીનું એચઆર પોર્ટલ ચેક કર્યુ. આશ્ચર્યની વાત એ હતી કે તેમની પે સ્લીપ પહેલાં જ બની ચૂકી હતી. પોર્ટલ પર રાજીનામાની સત્તાવાર તારીખ ૨૬ ઓક્ટોબર લખેલી હતી. કર્મચારીઓએ પોતાના મેનેજરોનો સંપર્ક કર્યો, મેનેજરો પોતે પણ હેરાન હતા. તેમને પણ આની ખબર ન હતી. કેટલાય કર્મચારી એચઆર ટીમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને અફવા અંગે ખાતરી મેળવવા માંગતા હતા. તેમનું પણ એક્સેસ બંધ થવા લાગ્યું. તેમનું લેપટોપ લોગઆઉટ થઈ ગયું અને સત્તાવાર આઇડી ડીએક્ટિવેટ થઈ ગઈ. કેટલાય કર્મચારીઓનું કહેવું છે કે તેમને ન તો કોઈ કારણ બતાવવામાં આવ્યું કે ન તો કોઈ વાતચીત થઈ કે ન તો કોઈ નોટિસ આપવામાં આવી. અચાનક સિસ્ટમ બંધ અને નોકરી ખતમ. ઇનનોડેટા અમેરિકન કંપની છે અને તેની હેડઓફિસ ન્યુજર્સીમાં છે.
સંસ્થાપકના નિવેદનના બીજા જ દિવસે કંપનીની જાહેરાત
રોબોટને કામ પર રાખો અને માણસને કાઢી મૂકો : બિલ ગેટ્સ
એઆઈના ઉપયોગ પર ટોકન ટેક્સ અને અબજોપતિઓ પર વધુ ટેક્સની ગેટ્સની દુનિયાની સરકારોને ભલામણ
સાનફ્રાન્સિસ્કો : દુનિયામાં કંપનીઓ પર માણસોના બદલે એઆઈની પસંદગી કરવાનું દબાણ વધી રહ્યું છે. આ કંઈક એવું છે કે રોબોટને કામ પર રાખો, માણસને કાઢી મૂકો અને પાછા વળીને જોશો નહીં તેમ માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું હતું. તેમના આ નિવેદનના બીજા જ દિવસે માઈક્રોસોફ્ટે ૬૦ હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ કંપનીના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ એઆઈના યુગને વિકાસવાદી ઘટના માને છે, જ્યાં માણસ હવે આ પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી પ્રાણી નહીં રહે. તેમનું માનવું છે કે એઆઈ લગભગ બધા જ પ્રકારના કામ પોતાના હાથમાં લઈ લેશે. તેની શરૂઆત વ્હાઈટ કોલર નોકરીથી થઈ છે અને પછી બ્લૂ કોલર જોબ પર પણ એઆઈ કબજો જમાવશે. એઆઈના વધતા પ્રભાવની સાથે બિલ ગેટ્સની અન્ય એક ચિંતા એ પણ છે કે કામ કરનારા લોકો ઘટી જશે તો ટેક્સ સ્વરૂપે મળનારા રૂપિયા પણ ઘટી જશે. આમ, દુનિયામાં સમૃદ્ધિ ભલે વધે પરંતુ લોકો માટે વર્તમાન સુરક્ષા કવચ નાનું થઈ જશે.
બિલ ગેટ્સે એઆઈના ઉપયોગ પર ટોકન ટેક્સ લગાવવા અને અબજોપતિઓ પર વધુ ટેક્સ નાંખવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું તે પોતે પણ આ બાબત પર અમલ કરવા તૈયાર છે. તેમણે અત્યાર સુધીમાં ૧૪ અબજ ડોલર ટેક્સ આપ્યો છે, પરંતુ તેઓ ૪૦ અબજ ડોલરનો ટેક્સ આપવા માટે પણ તૈયાર છે. રોબોટને નોકરી પર રાખીને માણસને કાઢી મૂકવાની બિલ ગેટ્સની ચેતવણી અને માઈક્રોસોફ્ટની બાયઆઉટ ઓફર બંને યોગાનુયોગ બે દિવસમાં સામે આવી છે.




