જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો

Jamaica Cyclone: કેરેબિયન દેશ જમૈકામાં કેટેગરી 5નું વાવાઝોડું મેલિસા ટકરાયું છે. મેલિસાને આ સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવે છે. વાવાઝોડાના કારણે જમૈકામાં 300 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સરકારે 6 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. વાવાઝોડાની અસરના કારમે જમૈકામાં ત્રણ, પાડોશી દેશ હૈતીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિકમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે, આખા દેશને તબાહ કરી શકે છે.
આ પણ વાંચોઃ બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત
સૌથી ખતરનાક વાવાઝોડું
કેટેગરી-5નું વાવાઝોડું સૌથી ખતરનાક માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ મેલિસા વાવાઝોડાને સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું જણાવ્યું છે. પહેલા આ વાવાઝોડું હૈતી અને ડોમિનિકન રિપબ્લિકન સાથે અથડાયું અને હવે જમૈકા સુધી પહોંચતા સુધીમાં તેણે ખતરનાક સ્વરૂપ લઈ લીધું છે. જ્યારે આ વાવાઝોડું જમૈકા સાથે અથડાયું, ત્યારે 300 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. પવનની આ ગતિ એટલી તેજ હતી કે, મોટી-મોટી ઇમારતોને પણ ધ્વસ્ત કરી શકે છે. આ પવનના કારણે વીજળી અને કોમ્યુનિકેશન સિસ્ટમને પણ મોટી સંખ્યામાં નુકસાન પહોંચી શકે છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ
મેલિસા વાવાઝોડાના કારણે જમૈકામાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ છે. જમૈકા સરકારે પ્રભાવિત વિસ્તારોથી લાખો લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દીધા છે. છેલ્લાં કેટલાક દિવસથી જમૈકામાં વરસાદ વરસી રહ્યો છે. એવામાં જમીનમાં ભેજના લીધે ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ પણ રાહત અને બચાવ કામગીરી શરુ કરી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા લોકોને ફૂડ પેકેટ્સ આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતાં પાકિસ્તાન બેબાકળું, ભારત પર લગાવ્યા ગંભીર આરોપ
યુએનનું કહેવું છે કે, કેરેબિયન દેશમાં ગત વર્ષે જુલાઈમાં શક્તિશાળી બેરિલ વાવાઝોડું આવ્યું હતું, ત્યારબાદ આ મેલિસા વાવાઝોડું સૌથી શક્તિશાળી છે. આ સાથે જ એટલાન્ટિક સાગરમાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.

