અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતાં પાકિસ્તાન બેબાકળું, ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

Khawaja Asif Warns of 'Open War' if Afghan Talks Fail : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ બાદ હંગામી ધોરણે સીઝફાયર થયું હતું. જોકે તે બાદ અનેક બેઠકો છતાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ રહ્યું નથી. બંને વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયે મધ્યસ્થી બનવા આવ્યું છે. એવામાં હવે પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ભારત પર આરોપો લગાવી રહ્યા છે.
ખ્વાજા આસિફની હવાહવાઈ વાતો
ખ્વાજા આસિફે બણગાં ફૂંકતા કહ્યું, કે 'બંને પક્ષો વચ્ચે કરાર થવાનો જ હતો પરંતુ કાબુલથી આદેશના કારણે ડીલ થઈ શકી નહીં. કાબુલમાં બેઠેલા લોકોને દિલ્હી કંટ્રોલ કરે છે. અફઘાનિસ્તાનની સરકારમાં ભારતનું વર્ચસ્વ વધી ગયું છે. ભારત પોતાની હારનો બદલો લેવા માટે કાબુલનો ઉપયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની સરકારમાં એવા તત્વો છે જે ભારતના મંદિરોનો પ્રવાસ કરી આવ્યા છે.'
પાકિસ્તાનની તાલિબાનને ખુલ્લી ધમકી
આટલું જ નહીં તાલિબાનને ખુલ્લી ધમકી આપતા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું, કે કોઈએ ઈસ્લામાબાદ તરફ ઊંચી નજર કરીને જોયું તો તેની આંખો કાઢી લઈશું. પાકિસ્તાનમાં ફેલાતા આતંકવાદ માટે અફઘાનિસ્તાન જ જવાબદાર છે અને દિલ્હીની કઠપૂતળી છે. છેલ્લા ચાર વર્ષથી અફઘાનિસ્તાન આતંકવાદીઓની મદદ કરી રહ્યું છે. ઈસ્લામાબાદ પર હુમલો કરવાનું કોઈએ વિચાર્યું તો પણ પાકિસ્તાન 50 ગણો જવાબ આપશે.

