ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના, દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ, 280 લોકો જીવ બચાવવા પાણીમાં કૂદ્યા
Indonesia Ferry Fire: ઇન્ડોનેશિયાના સમુદ્રમાં રવિવારે બપોરે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. ‘KM Barcelona VA’ નામના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે જહાજમાં 280 થી વધુ મુસાફરો સવાર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી જવું પડવું હતું. આ ઘટના ઉત્તર સુલાવેસી નજીક બપોરે 1:30 વાગ્યે બની હતી.
હાલમાં આ ભયાનક દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ગભરાઈ છે. જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ પણ છે, જેઓ લાઈફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદતા જોવા મળી રહ્યા છે. ઘણા મુસાફરો ચીસો પાડતા જોવા મળી રહ્યા હતા, જ્યારે કેટલાક સ્ટાફ સભ્યો લોકોને લાઈફ જેકેટ પહેરવામાં મદદ કરી રહ્યા હતા.
રાખમાં ફેરવાઈ ગયું જહાજ, 18 ઘાયલ
ભીષણ આગને કારણે એક સમયે વાદળી અને સફેદ દેખાતી આ ફેરી થોડીજ વારમાં રાખ બની ગઈ હતી. જહાજનો ઉપરનું માળખું આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 18 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે, જોકે કેટલાક લોકો હજુ પણ ગુમ થયા હોવાના સમાચાર મળ્યા છે.
રાહત બચાવ કામગીરી ચાલી રહી
મળતી માહિતી પ્રમાણે બચાવ ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. KM Barcelona III,KM Venecian અને KM Cantika Lestari 9F નામના ત્રણ મોટા જહાજોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ સાથે સ્થાનિક માછીમારો અને લોકોએ પણ પોતાની બોટ સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો: તિબેટમાં નિર્માણાધીન ચીનનો ડેમ કેમ ભારત માટે ચિંતાનો વિષય, એને 'વૉટર બોમ્બ' કહેવાય છે
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, લોકો એક પછી એક સમુદ્રમાં કેવી રીતે કૂદી રહ્યા છે. એક બચાવી લેવાયેલા મુસાફર પણ સળગતી ફેરીને જોઈને ભાવુક થતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આગ કેટલી ભયાનક છે.