તિબેટમાં નિર્માણાધીન ચીનનો ડેમ કેમ ભારત માટે ચિંતાનો વિષય, એને 'વૉટર બોમ્બ' કહેવાય છે
Images Sourse: IANS |
China Construction of Dam Brahmaputra River: ભારતના પાડોશી દેશ ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર દુનિયાના સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. 19મી જુલાઈ 2025ના રોજ ચીનના વડાપ્રધાન લી કિયાંગે આ ડેમનું ભૂમિપૂજન કર્યું હતું. આ ડેમ નિર્માણ ચીનના ન્યિંગચી શહેરમાં થઈ રહ્યું છે અને આ શહેર ભારતના અરુણાચલ પ્રદેશની સરહદને અડીને આવેલું છે. આનો અર્થ એ છે કે આ ભારત માટે આ ચિંતાનો વિષય છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ ડેમને ભારત માટે વોટર બોમ્બ ગણાવ્યો છે.
બ્રહ્મપુત્ર નદી ભારતમાં પ્રવેશે તે પહેલાં ચીન ડેમ બનાવી રહ્યું છે!
અહેવાલો અનુસાર, અંદાજે 2900 કિ.મી. લાંબી બ્રહ્મપુત્ર નદી હિમાલય પાર કરીને 2057 કિ.મી. પશ્ચિમ તરફ વહે છે અને પછી અરુણાચલ પ્રદેશ થઈને ભારતમાં પ્રવેશ કરે છે. ભારત પછી તે બાંગ્લાદેશમાં જાય છે અને પછી બંગાળની ખાડીમાં ભળી જાય છે. પરંતુ ભારતમાં પ્રવેશતા પહેલા આ નદી યુ-ટર્ન લે છે અને આ તે વિસ્તાર છે જ્યાં ચીન સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ બનાવી રહ્યું છે.
આ ડેમ નિર્માણ માટે 12 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે
ચીનની ન્યૂઝ એજન્સી અનુસાર, 'આ ડેમના નિર્માણ પછી દર વર્ષે 300 કિલોવોટ/કલાક વીજળી ઉત્પન્ન થશે, જેનો લાભ લગભગ 30 કરોડ લોકોને મળશે. આ ડેમના નિર્માણનો ખર્ચ લગભગ 167 અરબ ડોલર એટલે કે લગભગ 12 લાખ કરોડ રૂપિયા થશે.'
આ પણ વાંચો: અમેરિકા અને નાટોની નારાજગી વચ્ચે પણ પુતિન આવશે ભારત, જાણો તેમનો એજન્ડા શું
ચીન 5 હાઈડ્રોપાવર સ્ટેશન બનાવશે
ચીન બ્રહ્મપુત્ર નદી પર પાંચ હાઇડ્રોપાવર સ્ટેશન બનાવાશે. અહેવાલો અનુસાર, એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા પછી આ ડેમ યાંગ્ત્ઝે નદી પર બનેલા થ્રી ગોર્જેસ ડેમ કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરી શકશે. ચીનના આ પ્રોજેક્ટને કારણે ભારતની ચિંતા વધી ગઈ છે.
આ ડેમ ભારત માટે વોટર બોમ્બ છે!
•કેન્દ્રીય જળ આયોગ અનુસાર, બ્રહ્મપુત્ર નદીમાં 60% પાણી ભારતમાંથી અને 40% તિબેટથી આવે છે. ભારતમાં બ્રહ્મપુત્ર જે વિસ્તારોમાંથી વહે છે તે વરસાદની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. છતાં જો ઉપરના વિસ્તારમાં નદી સૂકી રહે છે, તો નીચલા વિસ્તારમાં તેની ઈકોસિસ્ટમ પ્રભાવિત થશે.
•જો ચીન અચાનક તેના ડેમમાંથી પાણી છોડે છે, તો ભારતમાં બ્રહ્મપુત્રની આસપાસના વિસ્તારોમાં ભયંકર પૂર આવી શકે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ચીનનો પાણીનો બોમ્બ કહી રહ્યા છે.
•આ બંધ જ્યાં બની રહ્યો છે તે જગ્યા ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. અહીં ભારતીય ટેક્ટોનિક પ્લેટ અને યુરેશિયન પ્લેટ જમીનની નીચે અથડાય છે, જેના કારણે ટેક્ટોનિક પ્રવૃત્તિ ચાલુ રહે છે અને મોટા ભૂકંપનો ભય રહે છે. તેથી જો ભૂકંપને કારણે બંધને કંઈક થાય છે, તો ભારતના નીચલા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.