World

યમનમાં હુથીઓનો ભીષણ મિસાઈલ હુમલો: ટ્રેનિંગ કેમ્પ પર ત્રાટકી 3 બેલિસ્ટિક મિસાઈલો, 53 સૈનિકોના મોત

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
યમનના શબવા પ્રાંતમાં હુથી બળવાખોરોએ સેનાના કેમ્પ પર 3 બેલિસ્ટિક મિસાઈલ છોડી. આ હુમલામાં 53 સૈનિકોના મોત થયા. પરેડ દરમિયાન થયેલા આ હુમલામાં અનેક ઘાયલ થયા છે. સાઉદી અરેબિયાના રિયાધ અને નજરાન પર પણ હુમલા થયા. સાઉદી ગઠબંધન અને હુથીઓ વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યમનમાં હુથીઓનો ભીષણ મિસાઈલ હુમલો: ટ્રેનિંગ કેમ્પ પર ત્રાટકી 3 બેલિસ્ટિક મિસાઈલો, 53 સૈનિકોના મોત

Yemen Military Camp Attack : ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા સમર્થિત યમનની સરકારી સેના પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. સોમવારે સવારે યમનના શબવા પ્રાંતમાં આવેલા આર્મી ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ભીષણ હુમલામાં માર્યા ગયેલા જવાનોની સંખ્યા વધીને હવે 53 થઈ ગઈ છે. શરૂઆતના અહેવાલોમાં 18 જવાનોના મોતની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા સૈનિકોના મોત થતાં આ આંકડો 53 પર પહોંચી ગયો છે.

સવારે પરેડ દરમિયાન ત્રાટકી 3 બેલિસ્ટિક મિસાઈલો

સરકારી અને મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે જ્યારે સૈનિકો ટ્રેનિંગ કેમ્પમાં નિયમિત પરેડ અને કવાયત કરી રહ્યા હતા, ત્યારે જ હુથી બળવાખોરોએ એક પછી એક 3 બેલિસ્ટિક મિસાઈલો ઝીંકી દીધી હતી. અચાનક થયેલા આ વિસ્ફોટોને કારણે સૈનિકોને બચવાની કોઈ તક મળી નહોતી અને ઘટનાસ્થળે ભારે રક્તપાત સર્જાયો હતો. આ હુમલામાં અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

સાઉદી ગઠબંધન અને હુથીઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો

યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપતા સાઉદી-નેતૃત્વવાળા ગઠબંધન અને રાજધાની સના સહિત ઉત્તરીય વિસ્તાર પર કબજો જમાવી બેઠેલા હુથીઓ વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી લડાઈ ખૂબ જ તેજ બની ગઈ છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ભડકેલી યુદ્ધની જ્વાળાઓ હવે યમનમાં વધુ એક મોટા સંઘર્ષનું કારણ બની ગઈ છે.

સાઉદી અરેબિયાના રહેણાંક વિસ્તાર પર પણ હુમલો

શબવા પ્રાંત ઉપરાંત હુથીઓએ સાઉદી અરેબિયાના રિયાધ અને નજરાન વિસ્તારને પણ નિશાન બનાવ્યો છે. રવિવારે નજરાનના એક રહેણાંક વિસ્તારમાં હુથી જૂથનું એક પ્રોજેક્ટાઈલ પડવાથી 6 નાગરિકો ઘાયલ થયા હતા, જ્યારે 3 ઘરો અને 3 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સાઉદી સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિક વિસ્તારો પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. જોકે, સંભવિત જોખમને ધ્યાને રાખીને સાઉદી એજન્સીઓએ એલર્ટ જારી કરી દીધું હતું.

રાષ્ટ્રપતિ ભવન અને એરપોર્ટ પર પણ તાબડતોડ પ્રહારો

હુથી બળવાખોરોએ છેલ્લા કેટલાક દિવસોમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કર્યા છે. 15 અને 16 ઓક્ટોબર 2026ના રોજ હુથીઓએ એડન સ્થિત રાષ્ટ્રપતિ ભવન અલ-માશિક પેલેસ પર 5 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા, જોકે દેશના વડાપ્રધાન આ હુમલામાં આબાદ બચી ગયા હતા. તેના બીજા દિવસે એડન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ 2 મિસાઈલો પડી હતી.

સાઉદી અરામકો અને એરપોર્ટને નિશાન બનાવી જવાબી કાર્યવાહી

આ અગાઉ સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ એરપોર્ટ પર થયેલા હુમલાઓમાં આશરે 17 લોકોના મોત નીપજ્યા હતા અને એરપોર્ટને અસ્થાયી ધોરણે બંધ કરવું પડ્યું હતું. આ ઉપરાંત દહરાનમાં સાઉદી અરામકોના હેડક્વાર્ટર પર પણ ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. હાલ સાઉદી ગઠબંધનની સેના હુથીઓની મિસાઈલો અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરીને જવાબી એરસ્ટ્રાઈક કરી રહી છે.