દુનિયાના એવા ઘણાં દેશો જ્યાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે, જુઓ આખી યાદી

Number Of Women Is More Than That Of Men In Many Countries : વર્ષોથી વૈશ્વિક લિંગ વિમર્શ શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં સમાનતા પર કેન્દ્રિત રહ્યું છે. પરંતુ આ દરમિયાન વધુ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન ધીમે-ધીમે આકાર લઈ રહ્યું છે. વસતીમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. ઘણા દેશોમાં હવે પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. આ પરિવર્તન અચાનક નથી આવ્યું પરંતુ વસ્તી વૃદ્ધત્વ, સ્થળાંતર અને જીવનશૈલીમાં પરિવર્તનને કારણે ધીમે-ધીમે વિકસિત થયું છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોનો વિભાગ (UN DESA) અને વિશ્વ બેંકના 2024ના વસતીના આંકડા પ્રમાણે પૂર્વ યુરોપ, એશિયાના કેટલાક ભાગો અને દક્ષિણ આફ્રિકામાં મહિલાઓની સંખ્યા સ્પષ્ટપણે પુરુષો કરતાં વધારે છે.
યુરોપમાં આ અસંતુલન સૌથી વધુ
યુરોપમાં આ અસંતુલન સૌથી વધુ દેખાય આવે છે. લાતવિયા, લિથુઆનિયા અને યુક્રેન જેવા દેશોમાં દર 100 પુરુષોએ 116 થી 118 મહિલાઓ છે. આ વિશ્વમાં સૌથી વધુ છે. આની પાછળના મુખ્ય કારણો પુરુષોની સરેરાશ ઓછી ઉંમર, રોજગાર માટે પુરુષોનું મોટા પાયે સ્થળાંતર અને વૃદ્ધ વસતીમાં મહિલાઓનો વધુ હિસ્સો છે.
રશિયા અને બેલારુસમાં પણ આવી જ સ્થિતિ છે. બીજી તરફ પોર્ટુગલ, ફ્રાન્સ અને જર્મની જેવા પશ્ચિમી યુરોપિયન દેશોમાં પણ પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે, જોકે આ તફાવત પ્રમાણમાં નાનો છે. તેનું કારણ મુખ્યત્વે મહિલાઓની સરેરાશ4-6 વર્ષ વધુ ઉંમર છે.
એશિયામાં નેપાળ અને હોંગકોંગમાં સ્પષ્ટ વલણ
નેપાળમાં મોટી સંખ્યામાં પુરુષો રોજગાર માટે વિદેશ જાય છે, જેના કારણે દેશની વસતીમાં મહિલાઓનું પ્રમાણ વધી જાય છે. હોંગકોંગમાં મહિલાઓનું આયુષ્ય લાંબુ હોય છે અને પુરુષોના ઓછા સર્વાઈવલ દરના કારણે વર્ષોથી આ અંતર રહે છે.
આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની તસવીર
લેસોથો અને નામિબિયામાં પુરુષોનું દક્ષિણ આફ્રિકાની ખાણો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરવા માટે જવું સામાન્ય છે. આના પરિણામે સ્થાનિક વસતીમાં મહિલાઓની સંખ્યા વધી જાય છે. આર્જેન્ટિના અને ઉરુગ્વે જેવા દક્ષિણ અમેરિકન દેશોમાં વૃદ્ધ વસતીના કારણે વૃદ્ધ વર્ગમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધારે છે.
એકંદરે વિશ્વભરમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા લગભગ સમાન છે. દર 100 મહિલાઓ પર લગભગ 101 પુરુષો છે. જોકે, જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ આ સંતુલન મહિલાઓની તરફેણમાં ઝુકી જાય છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ વય જૂથમાં મોટાભાગના દેશોમાં મહિલાઓની સંખ્યા સંપષ્ટ રૂપે વધુ છે.
આ પણ વાંચો: બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ
આ વસતી વિષયક પરિવર્તન સમાજ અને અર્થતંત્ર બંને પર ઊંડો પ્રભાવ પાડે છે. આ આંકડા પાછળનું સત્ય એ છે કે મહિલાઓનું આયુષ્ય લાંબુ છે અને ઘણા દેશોમાં તેઓ વસતીના માળખાને નવો આકાર આપી રહી છે.

