બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ

NDA Finalises Cabinet Share; Oath Ceremony Expected in 3–4 Days : બિહાર વિધાનસભામાં ભવ્ય વિજય બાદ હવે NDAમાં સરકાર ગઠનને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર NDAમાં મંત્રીમંડળને લઈને સહમતી લગભગ થઈ ગઈ છે. જેમાં JDUમાંથી 14, ભારતીય જનતા પાર્ટીમાંથી 15થી 16, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે.
આગામી ત્રણ ચાર દિવસમાં યોજાઈ શકે છે શપથવિધિ
બીજી તરફ નીતિશ કુમારના નિવાસસ્થાને પણ નવી સરકાર મુદ્દે એક બાદ એક બેઠકોનો દોર ચાલુ છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા. મંત્રી વિજેન્દ્ર યાદવે પણ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. અગાઉ ચિરાગ પાસવાન પણ નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ત્રણ-ચાર દિવસમાં નવી સરકારની શપથવિધિ યોજાઈ શકે છે. જોકે તે પહેલા ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડ દ્વારા ધારાસભ્ય દળની બેઠક કરાશે. જે બાદ NDAના તમામ ધારાસભ્યોની પણ એક બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
NDAની ડબલ સેન્ચુરી
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમતી મળી છે. 243 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 89, જેડીયુને 85, LJP રામવિલાસને 19, HAMને 5, RLMને 4 બેઠકો પર જીત હાંસલ થઈ. આમ NDAએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત NDAએ 200નો આંકડો પાર કર્યો. અગાઉ 2010માં પણ NDAએ 206 બેઠકો મળી હતી.

