World

બલૂચિસ્તાનમાં BLA નો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં BLAના 'ફતહ સ્ક્વોડ'એ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો છે. BLAના દાવા મુજબ, આ હુમલામાં 45થી વધુ સૈનિકો માર્યા ગયા અને અસંખ્ય ઘાયલ થયા. સૈનિકોને લઈ જતી બસો અને એસ્કોર્ટ વાહનો પર હુમલો કરાયો હતો. પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. BLA ટૂંક સમયમાં હુમલાનો વીડિયો જાહેર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બલૂચિસ્તાનમાં BLA નો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો
PAK Army FILE PHOTO

BLA Attack In Balochistan : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો સામેની હિંસા સતત વકરી રહી છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, તેના લડાકુઓએ બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લાના ખડકોચા વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના એક મોટા કાફલાને નિશાન બનાવ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ ભીષણ હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અસંખ્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

BLAની 'ફતહ સ્ક્વોડ' દ્વારા સૈન્ય કાફલાને ઘેરવામાં આવ્યો
BLAના પ્રવક્તા જીયંદ બલોચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ ઓપરેશનને સંગઠનની ખાસ કમાન્ડો વિંગ ફતહ સ્ક્વોડ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના જવાનોને લઈ જઈ રહેલી બસો અને તેમની સુરક્ષામાં તહેનાત એસ્કોર્ટ વાહનો પર લડાકુઓએ એકાએક હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, પ્રાથમિક હુમલા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી વધારાની સૈન્ય ટુકડીઓ પર પણ ઓચિંતો હુમલો કરીને તેમને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

બંને પક્ષો વચ્ચે કલાકો સુધી ચાલી અથડામણ
મળતી માહિતી મુજબ, સૈન્ય કાફલા પર હુમલા બાદ બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી સામસામે ભારે ગોળીબાર અને સશસ્ત્ર અથડામણ ચાલી હતી. બલૂચ સંગઠનનો દાવો છે કે રણનીતિ પૂર્વક કરાયેલી આ કાર્યવાહીમાં સૈન્યને મોટો ફટકો પડ્યો છે અને મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. BLAએ ટૂંક સમયમાં જ આ ઓપરેશનનો વીડિયો, હુમલાની સંપૂર્ણ રણનીતિ અને પાકિસ્તાની સેનાના કબ્જામાંથી જપ્ત કરાયેલા સૈન્ય હથિયારો તથા સાધનોની વિગતો જાહેર કરવાની પણ જાહેરાત કરી છે.

પાકિસ્તાની સૈન્ય વતી કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં
બીજી તરફ, આટલા મોટા હુમલા અને જાનહાનિના દાવા અંગે પાકિસ્તાની સેના (ISPR) કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી, પેરા મિલિટરી ફોર્સ અને સરકારી પ્રોજેક્ટ્સ પર BLA દ્વારા હુમલા ખૂબ જ તીવ્ર બની ગયા છે, જેના કારણે આખા ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ છે અને ઇસ્લામાબાદ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને દબાણ સતત વધી રહ્યું છે.