Keir Starmer Resignation Timeline: યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર (Keir Starmer) પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે ટાઈમલાઈન જાહેર કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલોથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લેબર પાર્ટીની અંદર ચાલી રહેલા ભારે આંતરિક વિખવાદ, અરાજકતા અને પક્ષના જ વરિષ્ઠ નેતાઓના દબાણ બાદ વડાપ્રધાને આ મોટો નિર્ણય લેવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બ્રિટિશ અખબાર ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, કેબિનેટના સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન સ્ટાર્મરે સ્વીકારી લીધું છે કે "હાલની અરાજકતા અસહ્ય છે" અને તેઓ હવે સન્માનજનક રીતે સત્તાની ફેરબદલ કરીને પદ છોડવા માંગે છે.
શા માટે કીર સ્ટાર્મર ઘેરાયા? જાણો અંદરની વાત
ડાઉનિંગ સ્ટ્રીટમાં (વડાપ્રધાન કાર્યાલય) છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવ હતો. કેટલાક જુનિયર મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. એક મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે, "ઘણા નેતાઓ વડાપ્રધાન મોઢા પર કહેતા હતા કે 'અમે તમારી સાથે છીએ', પણ બહાર જઈને તરત જ બળવાખોરો સાથે મળીને ષડયંત્ર શરૂ કરી દેતા હતા.બ્રિટનના નાણામંત્રી રશેલ રીવ્સે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન કે સરકારનું નામ લેવાને બદલે હેલ્થ સર્વિસના ફંડિંગ માટે I શબ્દનો ઉપયોગ કર્યો હતો. કેબિનેટના નેતાઓ આને વડાપ્રધાનથી અંતર બનાવવાનો સંકેત માની રહ્યા છે. આ તમામ વિવાદો વચ્ચે હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે કેબિનેટમાંથી રાજીનામું આપી દેતા ડાઉનિંગ સ્ટ્રીટને મોટો ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચો : VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ
એન્ડી બર્નહામની એન્ટ્રીથી ખુરશી જોખમમાં!
આ સમગ્ર વિવાદ પાછળ લેબર પાર્ટીના દિગ્ગજ નેતા એન્ડી બર્નહામ (Andy Burnham) નો હાથ હોવાનું મનાય છે. તેઓ મેકરફિલ્ડ (Makerfield) ની પેટાચૂંટણી દ્વારા વેસ્ટમિન્સ્ટર (સંસદ) માં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. બર્નહામની ટીમ ખૂબ જ આક્રમક મૂડમાં છે. તેમના એક સાથીએ જણાવ્યું કે તેઓ ચૂંટણી પ્રચારમાં સીધો એવો સંદેશ આપવા માંગે છે કે: "જો તમે એન્ડીને વોટ આપશો, તો તેઓ વેસ્ટમિન્સ્ટર જશે અને વડાપ્રધાનને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર ખેંચી લાવશે." વડાપ્રધાનની ટીમે બર્નહામની ઉમેદવારી રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ડેપ્યુટી લેબર લીડર લ્યુસી પોવેલે વડાપ્રધાન કાર્યાલય કંઈ કરે તે પહેલા જ પ્રક્રિયા પૂરી કરાવીને વડાપ્રધાનના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
બિલાડીના નવ ભવ હવે પૂરા થયા
વડાપ્રધાન કીર સ્ટાર્મરના એક જૂના સાથીદારે જણાવ્યું કે, અગાઉ સ્ટાર્મર એવું માનતા હતા કે તેઓ દરેક રાજકીય સંકટમાંથી બચી જશે. તેઓ વડાપ્રધાનને "નવ જિંદગી ધરાવતી બિલાડી" (A cat with nine lives) તરીકે ઓળખાવતા હતા, જે ગમે તેવા સંકટમાંથી જીવતી નીકળી આવે છે. પરંતુ હવે તેમણે પણ સ્વીકારી લીધું છે કે તેમની આ નવમી અને છેલ્લી જિંદગી પણ પૂરી થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કીર સ્ટાર્મર આગામી મેકરફિલ્ડ પેટાચૂંટણીના પરિણામો પહેલા રાજીનામાની તારીખ જાહેર કરે છે કે પછી પરિણામોની રાહ જુએ છે. જો કે, વિશ્લેષકોના મતે પરિણામો સુધી રાહ જોવી એ વડાપ્રધાન માટે વધુ અપમાનજનક સાબિત થઈ શકે છે.


