Get The App

ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો...: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો...: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું 1 - image

Keir Starmer on Iran war: વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ અને ખાસ કરીને ઈરાન યુદ્ધને કારણે પેદા થયેલા ક્રૂડ સંકટની અસરો હવે બ્રિટનમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કીઅર સ્ટારમરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. સ્ટારમરનું કહેવું છે કે, આ બંને દેશોની નીતિઓને કારણે બ્રિટનના સામાન્ય લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે.

"હું કંટાળી ગયો છું..." સ્ટારમરની આકરી પ્રતિક્રિયા

એક ઈન્ટરવ્યુમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા કીઅર સ્ટારમરે કહ્યું, હું આ વાતથી ખરેખર કંટાળી ગયો છું કે દેશભરના પરિવારો અને ઉદ્યોગોના ઉર્જા બિલ સતત ઉપર-નીચે થતા રહે છે, માત્ર એટલા માટે કે દુનિયાના કોઈ ખૂણામાં પુતિન કે ટ્રમ્પ શું નિર્ણય લે છે. તેમનું આ નિવેદન ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં આવી રહેલા ભારે ઉતાર-ચઢાવના સંદર્ભમાં આવ્યું છે.

વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા

2022 થી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે પહેલેથી જ વિશ્વભરમાં ક્રૂડ અને ગેસના પુરવઠાને પ્રભાવિત કર્યો છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવે વૈશ્વિક ઉર્જા બજારને વધુ અસ્થિર કરી દીધું છે. હવે ઈરાન યુદ્ધે આ સંકટને વધુ ઘેરૂ બનાવ્યું છે.

આ પણ વાંચો :ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા

બ્રિટન માટે ટર્નિંગ પોઈન્ટ

વડાપ્રધાન સ્ટારમરે આ સમગ્ર પરિસ્થિતિને બ્રિટન માટે એક નિર્ણાયક પળ એટલે કે ટર્નિંગ પોઈન્ટ ગણાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બ્રિટને હવે બાહ્ય સંકટો પર નિર્ભર રહેવાને બદલે નવી આર્થિક અને સુરક્ષા વ્યૂહરચના બનાવવી પડશે.

બે દાયકા યાદ કર્યા

સ્ટારમરે છેલ્લા બે દાયકાના સંકટોને યાદ કરતા કહ્યું કે, 2008 ની આર્થિક મંદી, બ્રેક્સિટ, કોવિડ રોગચાળો અને રશિયા-યુક્રેન યુદ્ધ. હવે ઈરાન યુદ્ધને આપણે એક નવી શરૂઆતની જેમ જોવી પડશે. તેમનું કહેવું છે કે, બ્રિટને હવે ઉર્જા, સંરક્ષણ અને આર્થિક સુરક્ષાને મજબૂત કરવા માટે એક નવો અને સ્વતંત્ર માર્ગ અપનાવવો પડશે, જે દેશને આ અસ્થિર અને જોખમી સમયમાં મજબૂત બનાવી શકે.

વ્હાઈટ હાઉસ બચાવમાં ઉતર્યું

જો કે સ્ટારમરનાં નિવેદન બાદ વ્હાઇટ હાઉસે પોતાનો બચાવ કર્યો હતો. અમેરિકાએ ટ્રમ્પના નિર્ણયોનો બચાવ કરતા કહ્યું છે કે તેમણે ઈરાનના પરમાણુ ખતરાને રોકવા માટે સાહસિક પગલાં લીધા છે. સ્ટારમરે સીઝફાયર દરમિયાન લેબનોન પર ઇઝરાયેલના હુમલાને ખોટા ગણાવ્યા હતા. બ્રિટનમાં ઇંધણની કિંમતો વધવાને કારણે મોંઘવારી વધી રહી છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે.