નેપાળમાં હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત, એર ઇન્ડિયા-ઇન્ડિગોએ મોકલશે સ્પેશિયલ ફ્લાઇટ
Nepal Protest News : નેપાળમાં ફાટી નિકળેલા હિંસક દેખાવો બાદ 9 સપ્ટેમ્બરે બંધ કરાયેલું કાઠમંડુનું ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે (10 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાથી ફરી કાર્યરત થયું છે. જે બાદ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ તેમની ફ્લાઇટ્સ નેપાળ મોકલવાની તૈયારી કરી રહી છે, જેથી નેપાળમાં રહેતા ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય.
એર ઇન્ડિયા-ઇન્ડિગો નેપાળ મોકલશે ફ્લાઇટ
કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત થતાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ આજે (10 સપ્ટેમ્બર) રાત્રે સ્પેશિયલ ફ્લાઇટ મોકલશે. આ ફ્લાઇટ આજે રાત્રે જ નેપાળમાંથી ભારતીયોને પરત લઇને દિલ્હી પરત ફરશે. જે પછી નેપાળ એરપોર્ટ કાર્યરત રહેતા અન્ય ફ્લાઇટ્સ પણ મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ નેપાળ પછી ફ્રાંસમાં પણ લોકો સડકો પર ઉતર્યા, ઠેર ઠેર પ્રદર્શન 200ની ધરપકડ
નેપાળમાં અટવાયા ભારતીયો
સમગ્ર નેપાળમાં અચાનક ફાટી નીકળેલા હિંસક દેખાવોના પગલે 9 સપ્ટેમ્બરે કાઠમંડુ એરપોર્ટ અચાનક બંધ કરાતા હજારો ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફંસાઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાઇરલ કેટલાક વીડિયોમાં ભારતીયો નેપાળથી નીકળીને ફરી ભારત આવવા માટે અપીલ કરી રહ્યા હતા. હવે કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત થતા નેપાળમાં અટવાયેલા ભારતીયોને વહેલી તકે ભારત પરત લાવવામાં આવશે.
નેપાળ-ભારત બોર્ડર પર સુરક્ષા વધારાઇ
બીજી બાજુ, નેપાળમાં ફેલાયેલી હિંસાને પગલે ભારતીય સશસ્ત્ર સીમા બળ (SSB) ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી છે. નેપાળની જેલમાંથી નાસી છૂટેલા કેટલાક કેદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. SSBએ આજે ઉત્તરપ્રદેશ-નેપાળ બોર્ડર પર આજે 22 ઘૂસણખોરોની ધરપકડ કરી છે. નેપાળમાં સતત હિંસાને પગલે આ સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ નેપાળની જેલોમાંથી 13 હજારથી વધુ કેદીઓ થયા ફરાર, પોલીસે આંકડો જાહેર કર્યો
નેપાળમાં ઠેર-ઠેર હિંસા
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ સહિત ઘણાં રાજકીય નેતાઓના ઘરોમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. બેકાબૂ ટોળા દ્વારા કેટલાક ટોચના નેતાઓને માર માર્યાની ઘટનાઓ પણ સામે આવી છે. આ દરમિયાન નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.
કેમ ફેલાઇ હિંસા?
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.