નેપાળની જેલોમાંથી 13 હજારથી વધુ કેદીઓ થયા ફરાર, પોલીસે આંકડો જાહેર કર્યો
Nepal Gen-Z Protest: નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. સ્થિતિ બેકાબુ થતાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. ત્યારે પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિઝનલ જેલના નૌબસ્તા સુધારણા ગૃહમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 5 સગીર કેદીઓના મોત થયા છે. આ સાથે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો લાભ લઈને 13 હજારથી વધુ કેદીઓ વિવિધ જેલોમાંથી ભાગી ગયા છે. તો આ સમાયાર લખાઈ રહ્યા છે ત્યારે નેપાળ પોલીસના આંકડા પ્રમાણે અત્યાર સુધી આ હિંસામાં 30 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: નેપાળની રાજનીતિમાં વળાંક, આ દિગ્ગજ મહિલા બનશે વચગાળાના વડાંપ્રધાન
ધ રાઇઝિંગ નેપાળ અખબાર અનુસાર, મંગળવારે રાત્રે નૌબસ્તા જેલમાં સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી અથડામણ દરમિયાન, સગીર કેદીઓએ હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 5 સગીર કેદીઓ માર્યા ગયા અને 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેલ વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન કુલ 149 કેદીઓ અને 76 સગીર કેદીઓ ભાગી ગયા હતા.
વિવિધ જેલમાંથી ભાગેલા કેદીઓના આંકડા
ગૃહ મંત્રાલયના સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્યું હતું કે, વિવિધ જેલોમાંથી ભાગી ગયેલા કેદીઓના સમાચાર આવ્યા છે, તે પ્રમાણે દિલ્હીબજાર જેલમાંથી 1100 કેદીઓ, ચિતવનમાંથી 700, નક્કુમાંથી 1200, ઝુમ્પકામાંથી 1575, કંચનપુરમાંથી 450, કૈલાલીમાંથી 612, જલેશ્વરમાંથી 576, કાસ્કીમાંથી 773, ડાંગમાંથી 124, જુમલામાંથી 36, સોલુખુમ્બુમાંથી 86, ગૌરમાંથી 260 અને બજંગમાંથી 65 કેદીઓ ભાગી ગયા હોવાના રિપોર્ટ આવ્યા છે. સિંધુલી જિલ્લાની સિંધુલીગઢી જેલમાંથી 471 કેદીઓ ભાગી ગયા છે, જેમાં 43 મહિલાઓનો સમાવેશ થાય છે.
એજ પ્રમાણે, નવલપરાસી પશ્ચિમ જિલ્લા જેલમાંથી 500 થી વધુ કેદીઓ ભાગી ગયા. કેટલાક કેદીઓએ જેલ પરિસરમાં આગ લગાવીને અને સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા.
નગરપાલિકાની જેલમાંથી 36 કેદીઓ ભાગી ગયા
કાઠમંડુની દિલ્હીબજાર જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા એક કેદીને સ્થાનિક યુવાનોએ પકડી લીધો અને નેપાળી સેનાને સોંપ્યો હતો. તો, સપ્તરી જિલ્લાની રાજબીરાજ જેલ અને પારસા જિલ્લાની બિરગંજ જેલમાંથી પણ કેદીઓ આગ લગાવીને ભાગી ગયા હતા. જુમ્લા જિલ્લાની ચંદનનાથ નગરપાલિકાની જેલમાંથી 36 કેદીઓ ભાગી ગયા હતા, જેમાં કેદીઓએ જેલ વોર્ડનને લાકડીથી માર્યો હતો અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા.
આ ઉપરાંત, જ્યારે કેદીઓ જેલમાંથી ભાગી રહ્યા હતા ત્યારે સુરક્ષા કર્મચારીઓને ધમકી આપતા હતાં. ઉલ્લેખનીય છે કે, વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓ હવે ખુલ્લેઆમ ફરતાં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને નેપાળી સેનાએ દેશભરમાં સુરક્ષા વધારી દીધી છે અને ભાગી ગયેલા કેદીઓની શોધખોળ શરુ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ કેદીઓને પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોમાં ભયની સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ગુનેગારો હવે ખુલ્લેઆમ ફરતાં હોવાથી સામાન્ય લોકોની સલામતી જોખમમાં મૂકાઈ છે.