નેપાળ પછી ફ્રાંસમાં પણ લોકો સડકો પર ઉતર્યા, ઠેર ઠેર પ્રદર્શન 200ની ધરપકડ
- વ્હેન ફ્રાંસ સ્નીઝીસ, યુરોપ કેચીઝ કોલ્ડ : પુરાણી કહેવત
- બ્લોક એવરીથિંગ મુવમેન્ટ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે પરંતુ તે પૂર્વના યલોએસ્ટ જેવું બની રહ્યું છે, ઇંધણ વૃદ્ધિ આર્થિક અસમાનતા સામે જાગ્યું હતું
પેરિસ : એક તરફ નેપાળમાં જન ઝેડનાં આંદોલનથી ત્યાં રાજકીય સંકટ ઘેરૂ બની રહ્યું છે ત્યારે અહીં પેરિસમાં લોકો સડક ઉપર ઉતરી પડયા છે. આ સાથે યુરોપના અન્ય દેશોમાં પણ હલચલ મચી ગઈ છે. આ સાથે એક કહેવત યાદ આવે છે : વ્હેન, ફ્રાંસ સ્નીઝીસ, યુરોપ કેચીઝ કોલ્ડ.
ફ્રાંસમાં અચાનક બ્લોક એવરિથિંગ આંદોલન (સબ ચક્કા જામ કરો) ને લીધે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોની સરકાર સામે નવો પડકાર ઊભો થયો છે. પેરિસ સહિત કેટલાંએ શહેરોમાં દેખાવકારોએ રસ્તા જામ કર્યા છે. કેટલેક ઠેકાણે આગ લગાડી છે. દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડયો પરંતુ દેખાવકારો ભીનાં મોટાં કપડાં સાથે તૈયાર જ હતા. તેથી ટીયર ગેસ છતાં દેખાવો ચાલુ રહ્યા.
દેશમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે દેખાવોના પહેલા જ કલાકમાં આશરે ૨૦૦ લોકોની ધરપકડ કરાઈ હતી.
પશ્ચિમનાં એક શહેર રેનમાં એક બસને આગ લગાડી હતી. દક્ષિણ પશ્ચિમમાં વીજળી લાઈનને નુકસાન કરાયું હોવાથી ટ્રેન સેવા ખોરવાઈ હતી.
આ આંદોલન સોશ્યલ મીડીયા અને એન્ક્રિપ્ટેડ ચેટસ દ્વારા શરૂ થયું અને હવે તેણે વ્યાપક જન આક્રોશનંભ રૂપ લઇ લીધું છે. આ પાછળ મુખ્યત્વે કરીને સમાજ કલ્યાણ માટેનાં બજેટમાં કાપ, સામાજિક અસમાનતા અને તે પ્રત્યે સરકારની ઉદાસીનતા પ્રત્યે જન સામાન્યની નારાજગી સ્પષ્ટ દેખાય છે.
નેપાળમાં જેન ઝેડ આંદોલને યુવાનોને સડક ઉપર લાવી દીધા તેઓએ ભ્રષ્ટાચાર તેને લીધે વધતી મોંઘવારી અને વધતી રહેલી બેકારી અને રાજકીય અસ્થિરતા સામે યુવાનોએ બુલંદ અવાજ ઊટાવ્યો છે. ફ્રાંસમાં પણ પરિસ્થિતિ લગભગ તેના જેવી જ છે.
નવ નિયુક્ત વડાપ્રધાન સેલાસ્ટિયન લેકોર્નુએ પોતાનો કાર્યભાર સંભાળ્યો તેના પહેલા જ દિવસે દેશવ્યાપી આંદોલન શરૂ થયું છે. તેની આગેવાની એક ડાબેરી જૂથ બ્લોક એવરીથિંગે લીધી છે. મેક્રોની નીતિઓ વિરૂદ્ધ જન વિરોધની આગેવાની લઇ રહ્યું છે. નવા પીએમ લેકોર્નું ૩ વર્ષ સુધી સંરક્ષણ મંત્રી હતા. તેઓ પ્રમુખ મેક્રોંના નિકટવર્તી મનાય છે. ફ્રાંસમાં ચાલતી રાજકીય અસ્થિરતા વચ્ચે તેમને વડાપ્રધાન બનાવાયા છે.
વિશ્લેષકોની ચિંતા તે છે કે ફ્રાંસમાં જે પરિસ્થિતિ છે તેવી વત્તે ઓછો અંશે યુરોપના મોટાભાગના દેશોમાં પણ છે. ફ્રાંસમાં આંદોલન વકરતાં તેની જ્વાળા બીજા દેશોમાં પણ ફેલાવાની પૂરી શક્યતા છે. આ સાથે જૂની કહેવત યાદ આવે છે 'વ્હેન ફ્રાંસ સ્નીઝીસ યુરોપ કેચીસ કોલ્ડ (ફ્રાંસને છીંક આવે છે ત્યારે યુરોપને શરદી થાય છે.)'