VIDEO : ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલ પર બે મિસાઈલ ઝિંકી, ચાર પત્રકારો સહિત 19 લોકોના મોત
Israeli Attack On Gaza : ઈઝરાયલે ગાઝામાં ફરી ભયાનક હુમલો કર્યો છે. પેલેસ્ટાઈની આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, ઈઝરાયલી સેનાએ ગાઝાની નાસર હોસ્પિટલ પર બે મિસાઈલો ઝિંકી છે, જેમાં ચાર પત્રકાર સહિત 19 લોકોના મોત થયા છે. આ મામલે હજુ સુધી ઈઝરાયલી સેના અને વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
નાસર હોસ્પિટલમાં એક પછી એક બે મિસાઈલ ઝિંકાઈ
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયલી સેનાએ ગાઝાની મુખ્ય નાસર હોસ્પિટલ પર મિસાઈલ ઝિંકી હતી, જેમાં ચોથા માળે અનેક લોકોના મોત થયા છે. આ દરમિયાન રાહત અને બચાવ કર્મચારીઓ તુરંત ચોથા માળે પહોંચ્યા હતા, ત્યારે તે જ સ્થળે અચાનક બીજી મિસાઈલ ઝિંકવામાં આવી હતી. આ હુમલામાં ચાર પત્રકારો સહિત 19 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સૌથી મોટી હોસ્પિટલમાં કર્મચારીઓની અછત
દક્ષિણ ગાઝાના ખાન યૂનિસમાં આવેલી સૌથી મોટી નાસર હોસ્પિટલ (Nasser Hospital) 22 મહિનાથી યુદ્ધ અને હુમલાઓનો સામનો કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, હોસ્પિટલમાં દવાઓની સામગ્રી અને કર્મચારીઓની ભારે અછત છે. બીજીતરફ આરોગ્ય મંત્રાલયના રિકોર્ડ વિભાગના પ્રમુખ જહીર અ-વહીદીએ કહ્યું કે, નાસર હોસ્પિટલમાં હુમલો થવાના કારણે કુલ 19 લોકોના મોત થયા છે.
અન્ય હુમલામાં 10ના મોત, 15ને ઈજા
બીજીતરફ શિફા હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, ગાઝા શહેરના એક વિસ્તારમાં પણ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ બાળકો સહિત ત્રણ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. આ ઉપરાંત અલ-અવદા હોસ્પિટલે કહ્યું કે, ઈઝરાયલી સેનાએ મધ્ય ગાઝામાં વિતરણ કેન્દ્ર તરફ આવી રહેલા અનેક લોકો પર આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 6ના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી સેનાએ સહાય લેવા માટે આવી રહેલા લોકોને પ્રશ્નો પૂછ્યા હતા, જેના તેમને જવાબ ન આપતા તેઓએ ગોળીબાર કર્યો હતો.