Get The App

VIDEO : ડ્રુઝ નાગરિકોને બચાવવા ઈઝરાયલનું ભયાનક અભિયાન, સીરિયાના સંરક્ષણ મંત્રાલય પર કર્યો ડ્રોન એટેક

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ડ્રુઝ નાગરિકોને બચાવવા ઈઝરાયલનું ભયાનક અભિયાન, સીરિયાના સંરક્ષણ મંત્રાલય પર કર્યો ડ્રોન એટેક 1 - image


Syria Civil War : ઈઝરાયલનું હમાસ-ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે, થોડા દિવસ પહેલા ઈરાન સાથે 12 દિવસનું યુદ્ધ કર્યું હતું અને હવે ઈઝરાયલી સેના સીરિયામાં આક્રમક બની રહી છે. મધ્ય-પૂર્વના અનેક દેશ વચ્ચે યુદ્ધ, હિંસા સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે ઈઝરાયલી સેનાએ સીરિયામાં ભયાનક હુમલા શરૂ કરી દીધા છે. તાજેતરની ઘટનામાં ઈઝરાયલે સીરિયન સંરક્ષણ મંત્રાલયની બિલ્ડિંગ પર ડ્રોનથી હુમલો કર્યો છે.

સીરિયામાં સંરક્ષણ મંત્રાલયની બિલ્ડિંગ પર ડ્રોનથી હુમલો

મીડિયા રિપોર્ટ મુજબ ઈઝરાયલી સેનાએ બુધવારે (16 જુલાઈ) સીરિયાની રાજધાની દમિશ્કમાં સંરક્ષણ મંત્રાલયના એન્ટ્રી ગટ પર હુમલો કર્યો છે. અનેક મોરચે લડી રહેલા ઈઝરાયલે સોમવારથી જ સીરિયામાં ઈસ્લામિક નેતૃત્વવાળી સરકારને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. સીરિયાના દક્ષિણ સ્વિડા શહેરમાં સ્થાનિ સુરક્ષા દળો અને ડ્રુઝ સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે ડ્રુઝ સમાજને બચાવવા માટે ઈઝરાયલ આ હુમલા કરી રહ્યું છે.

અમે ડ્રુઝ સમાજના લોકોને બચાવવા હુમલા કરી રહ્યા છીએ : IDF

ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે, ‘અમે સીરિયા સ્થિત ડ્રુઝ સમાજના લોકોને બચાવવા માટે આ હુમલા કરી રહ્યા છીએ.’ સીરિયાના સંરક્ષણ મંત્રાલયના સુરક્ષા સુત્રોએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે, ‘મંત્રાલયની બિલ્ડિંગ પર બે ડ્રોનથી હુમલો કરાયો છે અને અધિકારીઓ બેઝમેન્ટમાં છુપાયેલા છે.’ સીરિયાની સરકારી સમાચાર ચેનલ ઈલેખબરિયા ટીવીએ કહ્યું કે, ‘ઈઝરાયલી હુમલામાં બે નાગરિકોને ઈજા થઈ છે.’

ઈઝારયલે હુમલો કર્યો હોવાનો સ્વિકાર કર્યો

ઈઝરાયલ સેનાએ કહ્યું છે કે, ‘અમે દમિશ્કમાં સીરિયન શાસનના સેનાના હેડક્વાર્ટર પરિસરના પ્રવેશ દ્વાર પર હુમલો કર્યો છે. અમારી સેના દક્ષિણ સીરિયામાં ડ્રુઝ નાગરિકોને બચાવવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પર નજર રાખી રહ્યા છીએ.’

આ પણ વાંચો : સીરિયા ગૃહયુદ્ધમાં ઈઝરાયલની એન્ટ્રી, 89 મોત, 200 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

સીરિયામાં ટેન્કો પર ઈઝરાયલનો હુમલો

ઈઝરાયલી સેનાએ સોમવારે (14 જુલાઈ) સીરિયામાં અનેક ટેન્કો પર હુમલા કર્યા હતા. સીરિયાના સ્વિડા શહેરમાં કેટલાક દિવસથી જાતીય હુમલા અને ભીષણ હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 89 લોકોના મોત અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે ઈઝરાયલે સીરિયામાં ડ્રુઝ સમાજની સુરક્ષાનો હવાલો આપી ટેન્કો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. સેનાએ સીરિયામાં અનેક ટેન્કોનો ખાતમો બોલાવ્યો છે. ઈઝરાયલી સેનાએ વીડિયો જાહેર કરીને કહ્યું કે, ‘અમે ડ્રુઝ સમાજની સુરક્ષાને ધ્યાને રાખીને ચેતવણી આપી હતી, ત્યારબાદ સીરિયામાં ટેન્કો પર હુમલા કર્યા છે.’ 

ડ્રુઝ યુવક પર હુમલા બાદ હિંસા ભડકી

રિપોર્ટ મુજબ સ્વિડાના અલ-મસમિયાહ વિસ્તારમાં એક કામચલાઉ ચેકપોસ્ટ પરથી થોડા દિવસ પહેલા હિંસા શરૂ થઈ હતી. અહીં બેડૌઈન સમાજના કેટલાક લોકોએ સ્થાનિક ડ્રુઝ યુવક પર હુમલો કર્યો હતો, જેના કારણે ડ્રુઝના લોકોએ બેડોઈન સમાજના અનેક લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ મામલો કાબુમાં આવી ગયો હતો, પરંતુ પછી આખા વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. શિયા ઈસ્લામની શાખાનો ડ્રુઝ સમાજ એક ધાર્મિક લઘુમતી છે. આ સમાજની કુલ વસ્તી 10 લાખની છે, જેમાંથી અડધાથી વધુ લોકો સીરિયામાં રહે છે, જ્યારે બાકીના ઈઝરાયલના કબજા હેઠળના ગોલન હાઈટ્સ અને લેબનોનમાં ફેલાયેલા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સમાજના લોકો ઈઝરાયલની સેનામાં પણ કામ કરે છે, તેથી જ ઈઝરાયલ ડ્રુઝ સમાજને સહયોગી માને છે. ઈઝરાયલમાં ડ્રુઝ સમુદાયના લગભગ 150,000 લોકો છે જેમણે ઇઝરાયલી નાગરિકતા લીધી છે અને ઈઝરાયલી સેનામાં સેવા આપી છે.

વિશ્વમાં ડ્રુઝ સમાજની વસ્તી

ડ્રુઝ સમાજના નાગિરકોની કુલ વૈશ્વિક વસ્તી અંદાજે 8 લાખથી 20 લાખ છે. 

સીરિયા (Syria) : ડ્રુઝની સૌથી મોટી વસ્તી સીરિયામાં છે. 2020ના દાયકાની શરૂઆતમાં 700,000થી વધુ ડ્રુઝ સીરિયામાં હોવાનો અંદાજ છે. તેઓ સીરિયાની કુલ વસ્તીના લગભગ 3.2% જેટલા છે. તેઓ ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ સીરિયાના પહાડી વિસ્તાર જબલ અલ-ડ્રુઝ (Jabal al-Druze)માં કેન્દ્રિત છે.

લેબનોન (Lebanon) : લેબનોનમાં પણ ડ્રુઝની નોંધપાત્ર વસ્તી છે. 2020ના દાયકાની શરૂઆતમાં લગભગ 300,000 ડ્રુઝ લેબનોનમાં રહેતા હોવાનો અંદાજ છે, જે દેશની વસ્તીના લગભગ 5.2% છે. તેઓ લેબનોન પર્વતોની પશ્ચિમી ધાર પર અને દક્ષિણપૂર્વમાં રહે છે. લેબનોનના રાજકારણમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે.

ઇઝરાયેલ (Israel) : ઇઝરાયેલમાં 2021-2024ના આંકડા મુજબ લગભગ 140,000 થી 150,000 ડ્રુઝ લોકો રહે છે, જે ઈઝરાયેલની કુલ વસ્તીના લગભગ 1.6%થી 2% જેટલા છે. તેઓ મુખ્યત્વે ગાલીલ (Galilee), કાર્મેલ (Carmel) અને ગોલાન હાઈટ્સ (Golan Heights)ના ઉત્તરીય વિસ્તારોમાં રહે છે. ઈઝરાયેલમાં, ડ્રુઝ સમુદાય ઇઝરાયેલી સૈન્યમાં સેવા આપે છે અને રાજ્ય પ્રત્યે તેમની વફાદારી માટે જાણીતા છે.

જોર્ડન (Jordan) : જોર્ડનમાં ડ્રુઝની નાની વસ્તી છે, જે વૈશ્વિક ડ્રુઝ વસ્તીના લગભગ 2% જેટલી છે. 

ડ્રુઝ સમાજની વૈશ્વિક સ્થિતિ : આ ઉપરાંત, ડ્રુઝ સમુદાયના લોકો વિશ્વભરમાં ફેલાયેલા છે, જેમાં વેનેઝુએલા (લગભગ 60,000), યુનાઇટેડ સ્ટેટ્સ (લગભગ 50,000), કેનેડા (લગભગ 25,000), જર્મની (લગભગ 10,000) અને ઓસ્ટ્રેલિયા (લગભગ 4,268) જેવા દેશોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ બનવાની તૈયારીમાં ? તેઓ શહબાઝ શરીફને મળતાં અટકળો તેજ બની રહી છે

Tags :